Mon May 18 2026

Logo

વિશેષઃ અષ્ટ ભૈરવ ભગવાન શિવના આઠ રક્ષક...

2026-05-18 09:54:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

ભૈરવના આઠ શક્તિશાળી સ્વરૂપોને અષ્ટ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટ ભૈરવ ભગવાન શિવના ઉગ્ર અને રક્ષક સ્વરૂપ છે. આ આઠ ભૈરવ ફક્ત ઊર્જાના સ્વરૂપો નથી, તેમને અવકાશ અને દિશાના રક્ષક પણ માનવામાં આવે છે. દરેક સ્વરૂપ બ્રહ્માંડની એક દિશાનું ધ્યાન રાખે છે, સંતુલન, શિસ્ત અને બ્રહ્માંડિક વ્યવસ્થા જાળવી રાખે છે.

સનાતન માન્યતામાં, રક્ષકોનું ખૂબ મહત્ત્વ છે. જેમ કોઈ શહેરમાં રક્ષકો હોય છે, તેવી જ રીતે બ્રહ્માંડમાં પણ તેના રક્ષકો હોય છે. અષ્ટભૈરવ એ રક્ષકો છે, જે સ્વરૂપે ઉગ્ર છે પણ સમર્પિત ભક્તો પર કૃપા વરસાવનાર છે. ભારતમાં ભૈરવના અનેક મંદિરો છે. બે અતિ પ્રસિદ્ધ મંદિરો ભગવાન મહાકાલના દ્વારપાલ ઉજ્જૈનના ભૈરવ, અને કાશીના કોટવાલ ગણાતા કાશી વિશ્વનાથના ભૈરવ મંદિરો વિશે આપણે સહુ જાણીએ જ છીએ.

ભૈરવના આઠ સ્વરૂપો અને તેમની દિશાઓ

દરેક ભૈરવનો એક અલગ સ્વભાવ, રંગ, વાહન અને ભૂમિકા હોય છે. તેમની પૂજા સુખ માટે નહીં, પરંતુ શક્તિ, હિંમત અને આંતરિક પરિવર્તન માટે કરવામાં આવે છે.

અસિતંગ ભૈરવ પૂર્વ દિશાનું રક્ષણ કરે છે. તેઓ શુભ્ર વસ્ત્રધારી, સૌમ્ય રૂપ અને હંસ પર સવારી કરતા કહેવાયા છે. તેઓ ભક્તોની બુદ્ધિ, સર્જનાત્મકતા અને આધ્યાત્મિક સમજને તીક્ષ્ણ બનાવે છે.

રુરુ ભૈરવ દક્ષિણપૂર્વના રક્ષક છે. આછા વાદળી રંગનું સ્વરૂપ, બળદના વાહન પર તેમની સવારી છે.  જ્ઞાન, સ્થિર સંપત્તિ અને શિસ્તબદ્ધ તથા સ્પષ્ટ વિચારસરણી માટે તેમની ભક્તિ કરવામાં આવે છે.

ચંડ ભૈરવ દક્ષિણ દિશાના રક્ષક દેવ છે. મોર પર સવારી કરનાર ભૈરવનું આ સ્વરૂપ ભક્તોની આંતરિક શક્તિ વધારનાર અને હાનિકારક શક્તિઓથી રક્ષણ કરનાર છે. 

ક્રોધ ભૈરવ દક્ષિણ પશ્ચિમ દિશા પર શાસન કરે છે. શ્યામ સ્વરૂપ અને ગરુડ પર સવાર, તે નિયંત્રિત ક્રોધનું પ્રતિનિધિત્વ કરે છે જે નકારાત્મકતાનો નાશ કરે છે. ભક્તો ભય, વિલંબ અથવા જીવનના મોટા પડકારોનો સામનો કરવા તેમની પૂજા કરે છે.

ઉન્મત્ત ભૈરવ પશ્ચિમ દિશાના સ્વામી છે. ઘોડા પર સવાર થઈને, તે ભક્તોને અહંકાર, ખરાબ ટેવો અને ભાવનાત્મક અસંતુલન દૂર કરવામાં મદદ કરે છે.

કપાલ ભૈરવ વાયવ્ય દિશાનું રક્ષણ કરે છે. પીળા રંગના પોશાક પહેરીને અને હાથી પર સવારી કરીને, તે અચાનક આવતી આફતો સામે રક્ષણ આપે છે અને કાર્યોનાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

ભીષણ ભૈરવ ઉત્તર તરફ મુખ ધરાવે છે. ઉગ્ર, લાલ રંગના અને સિંહ પર સવાર, તે અદૃશ્ય શક્તિઓ, ભય અને નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ માટે જાણીતા છે.

સંહાર ભૈરવ ઉત્તર-પૂર્વ દિશાનું રક્ષણ કરે છે. વીજ સમાન તેજસ્વી અને કૂતરા પર સવાર, તે ગહન પરિવર્તન અને જૂનાં કર્મોના દહનનું પ્રતીક છે.

ભૈરવ તંત્રમાં, આ આઠ ભૈરવોના આઠ અન્ય ભૈરવો છે, આમ તંત્ર સાધનામાં કુલ 64 ભૈરવ સ્વરૂપો દર્શાવ્યા છે. તેમની પૂજા ખાસ કરીને મંગળવારે, આઠમા દિવસે (કાલષ્ટમી) કરવામાં આવે છે. મહાકાલ ભૈરવ મંત્ર (‘ઓમ હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમ:’)નો જાપ કરવાથી જીવનનાં કષ્ટો, દુ:ખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. 

ગૃહસ્થો ઘરમાં ભૈરવની સ્થાપના કરતા નથી. અષ્ટ ભૈરવ મોટાભાગે તંત્ર સાધનાના દેવતા માનવામાં આવ્યા છે. ગૃહસ્થ ભૈરવનાથના સૌમ્ય સ્વરૂપો, એટલે કે બટુક ભૈરવ અને બાલ ભૈરવની પૂજા કરી શકે છે. બાલ ભૈરવ છ કે સાત વર્ષના બાળકના રૂપમાં હોય છે, અને બટુક ભૈરવ 15 કે 16 વર્ષના કિશોરના રૂપમાં હોય છે.

આઠ ભૈરવોની પૂજા કરવાની રીત

સવારે સ્નાન કર્યા પછી, સ્વચ્છ કપડાં પહેરો.
પછી ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને બેસો.

ભૈરવની મૂર્તિ અથવા પ્રતિમા સામે કાળા કે લાલ ફૂલો, ચોખાના આખા દાણા, ધૂપ અને દીવા ચઢાવો.

ભૈરવને તેલનો દીવો અથવા શ્રીફળ અર્પણ કરો.
કાળા તલ, અડદની દાળ અને નાળિયેર અર્પણ કરો.
કૂતરાને લોટ, રોટલી કે મીઠાઈ ખવડાવવાથી ભૈરવ પ્રસન્ન થાય છે.

જ્યોતિષીય મહત્ત્વ

જેમની કુંડળીમાં શનિ, રાહુ કે કેતુનો દોષ હોય તેમણે અષ્ટ ભૈરવની પૂજા કરવી જોઈએ.

ભૈરવ સાધના કરવાથી કાલસર્પ દોષ, પિતૃ દોષ અને નકારાત્મક ગ્રહોના પ્રભાવથી રાહત મળે છે.

અષ્ટ ભૈરવ સાધના કરવાથી વ્યવસાય અને કારકિર્દીમાં અવરોધો દૂર થાય છે.