Wed Jul 29 2026

Logo

ગ્રાન્ટ રોડના નાના ચોકના સ્કાયવૉક પર નવા એસ્કેલેટર બેસાડાશે

2026-07-29 12:37:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ ત્રણ વર્ષ સુધી બંધ રહ્યા બાદ  નજીક ગ્રાન્ટ રોડમાં નાના ચોક નજીકના સ્કાયવોક પરના એસ્કેલેટર આખરે બદલવાનું મુહૂર્ત મળી ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાએ નવા એસ્કેલેટર અને રક્ષણાત્મક ઓવરહેડ શેડ બેસાડવા માટે ૪.૧૬ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પ્રસ્તાવિત કર્યો છે. ગુરુવારે અંતિમ મંજૂરી માટે આ પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો છે.

બે એસ્કેલેટર એક ગામદેવી બાજુ અને બીજો નાના ચોક પર  સ્કાયવોકને ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન (પશ્ર્ચિમ) સાથે જોડે છે. લાંબા સમયથી સ્કાયવોકનો એસ્કેલેટર બગડી ગયો છે, જેનું સમારકામ કરવું શક્ય ન હોવાથી રોજના હજારો રાહદારીઓ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, શાળાના બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ આ સ્કાયવોકનો ઉપયોગ કરવાથી અચકાઈ રહ્યા છે.
 
પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ  ૨૦ મેના રોજ પાલિકાની ‘ડી’ વોર્ડની મુલાકાત દરમ્યાન નિરીક્ષણ કર્યું હતું. રાહદારીઓ અને જનપ્રતિનિધિઓની વારંવારની ફરિયાદોના જવાબમાં અધિકારીઓને વહેલી તકે સુવિધા પુન:સ્થાપિત કરવા નિર્દેશ આપ્યા પછી આ પ્રસ્તાવ તાકીદે હાથમાં લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં હાલના એસ્કેલેટરને બદલવા, ક્ષતિગ્રસ્ત હેન્ડ્રેઇલ, રેલિંગ અને ફોલ્ડેબલ ગેટનું સમારકામ અને વરસાદ અને સૂર્યપ્રકાશથી સાધનોનું રક્ષણ કરવા માટે નવા પોલિકાર્બોનેટ ઓવરહેડ શેડ બનાવવાનો સમાવેશ થાય છે. પાલિકાએ સૌથી ઓછી બોલી લગાવનાર, મેસર્સ કેલિસ્ટો ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડને ૮.૭ મીટર અને ૫.૭ મીટર ઊંચાઈવાળા બે નવા એસ્કેલેટર સ્થાપિત કરવા માટે કોન્ટ્રાક્ટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ કૉન્ટ્રાક્ટમાં એક વર્ષની વોરંટી અને બે વર્ષની વ્યાપક જાળવણીનો પણ સમાવેશ થાય છે, જેથી એસ્કેલેટર કાર્યરત રહે. આ પ્રોજેક્ટનો હેતુ રાહદારીઓની સુવિધા પુન:સ્થાપિત કરવાનો અને નવા એસ્કેલેટરને હવામાન સંબંધિત નુકસાન અટકાવવાનો છે.