Mon May 18 2026

Logo

યુએસમાં મોટી દુર્ઘટના: એર શો દરમિયાન હવામાં ટકરાયા બે ફાઇટર જેટ, પાયલટોનો ચમત્કારિક બચાવ

Idaho   2026-05-18 08:34:00
Author: Vimal Prajapati
Article Image

ઇડાહો: અમેરિકાના ઇડાહો (Idaho) માં આવેલા 'માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ' પર આયોજિત એર શો દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં હવામાં કરતબ બતાવી રહેલા યુએસ નેવીના બે EA-18G ગ્રાઉલર (Growler) લડાકુ વિમાન એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયા હતા. આ દુર્ઘટના બાદ તરત જ એરબેઝને લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભીષણ ટક્કરમાં વિમાનોના પરખચ્ચા ઉડી ગયા

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે બપોરે અંદાજે 12:30 વાગ્યે બની હતી. આકાશમાં થયેલી આ ભીષણ ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનોના પરખચ્ચા ઉડી ગયા હતા અને જોતજોતામાં ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બંને અકસ્માતગ્રસ્ત જેટ એરબેઝથી અંદાજે બે માઈલ દૂર જઈને ખાબક્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે

 

4 પાયલટોનો ચમત્કારિક બચાવ

સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફોર્મેશન ફ્લાઈટ દરમિયાન બંને વિમાનો એકબીજાની ખૂબ નજીક આવી જાય છે અને ટકરાઈ જાય છે. પરંતુ આ ભયાનક મંઝરની વચ્ચે એક મોટો ચમત્કાર પણ જોવા મળ્યો હતો. વિમાનો ટકરાયાની ગણતરીની સેકન્ડોમાં જ આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા દેખાયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે બંને વિમાનના તમામ 4 ૪ ક્રૂ મેમ્બર્સ (પાયલટ) સુરક્ષિત રીતે ઇજેક્ટ (Eject) કરી ચૂક્યા છે અને તેઓ સંપૂર્ણપણે સલામત છે. હાલ તબીબો દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે.

કેવા પ્રકારના હતા આ ફાઇટર જેટ્સ?

આ અકસ્માતનો ભોગ બનેલા બંને વિમાનો યુએસ નેવીના ઇલેક્ટ્રોનિક એટેક સ્ક્વોડ્રનના EA-18G ગ્રાઉલર (Growler) ફાઇટર જેટ્સ હતા. આ વિમાન પ્રખ્યાત F/A-18 સુપર હોર્નેટનું અત્યંત આધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર વેરિઅન્ટ (Electronic Warfare Variant) છે. તે દુશ્મનના રડાર અને કોમ્યુનિકેશન સિસ્ટમને જામ કરવા માટે જાણીતું છે.