Mon May 18 2026

Logo

ચીનમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5.2ની તીવ્રતાના આંચકાથી 13 ઇમારતો ધરાશાયી, 2 લોકોના મોત

Guangxi   2026-05-18 09:56:00
Author: Vimal Prajapati
Article Image

ગુઆંગસી: દક્ષિણ ચીનના ગુઆંગસી (Guangxi) સ્વાયત્ત પ્રદેશમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. સત્તાવાર અહેવાલો અનુસાર, 5.2ની તીવ્રતાના આ શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. આ આપત્તિમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

રાત્રે 12.21 વાગ્યે ધ્રુજી ઉઠી ધરતી

ચીનની સરકારી સમાચાર એજન્સી અને સરકારી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર, ભૂકંપ સોમવારે મધ્યરાત્રિએ અંદાજે 12.21 વાગ્યે લિયુઝોઉ (Liuzhou) શહેરના લિયુનાન જિલ્લામાં આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ તાઈયાંગચુન નગર નજીક હતું. ચોંકાવનારી વાત એ છે કે, જમીનથી ભૂકંપની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હતી, જેના કારણે આંચકા ખૂબ જ તીવ્ર અને વિનાશક અનુભવાયા હતા.

૧૩ ઇમારતો જમીનદોસ્ત, ૭૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર

સ્થાનિક મીડિયાના જણાવ્યાં પ્રમાણે ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે 13 ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે અનેક ઘરો અને મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે. ભૂંકપ બાદ સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા 7 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ ટીમો પ્રભાવિત વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાલ ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ જોખમથી બહાર હોવાનું કહેવાય છે.

અન્ય મોટા શહેરો પણ ધ્રુજ્યા, રેલ સેવા પ્રભાવિત

ભૂકંપના આંચકા માત્ર લિયુઝોઉ પૂરતા સીમિત નહોતા. ગુઆંગ્શી પ્રદેશના અન્ય મોટા શહેરો, જેમાં નાનિંગ (Nanning) અને ગુઇલિન (Guilin) નો સમાવેશ થાય છે, ત્યાં પણ લોકોએ જોરદાર આંચકા અનુભવ્યા હતા. મોડી રાત્રે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને રસ્તા પર રાત વિતાવી હતી. ચીનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના નાના આંચકા) આવવાની આશંકાને જોતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. સ્થાનિક તંત્ર અસરગ્રસ્ત પરિવારોને અસ્થાયી રાહત શિબિરોમાં પહોંચાડવા અને જરૂરી સામગ્રી પૂરી પાડવામાં વ્યસ્ત છે.