Mon May 18 2026

Logo

ગીતા મહિમાઃ સ્વભાવ-નિયત કર્મ

2026-05-18 09:49:00
Author: Sarangpreet
Article Image

સારંગપ્રીત

ગત અંકમાં અંતર પ્રેરણાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ સ્વભાવ-નિયત કર્મને સમજાવી રહ્યા છે.

ઘણીવાર માનવ એવું સમજી બેસે છે કે અધ્યાત્મસિદ્ધિ માટે સંસાર છોડવો જ પડે, કર્મથી દૂર થવું પડે, અથવા પોતાની સ્વભાવગત પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો પડે. જ્યારે વાસ્તવિકતા એ છે કે માણસ પોતાના સ્વભાવ અનુસાર નિયત કર્મ કરતો હોય, અને એ કર્મને જો સાચી દૃષ્ટિ, શુદ્ધ ભાવ અને સમર્પણથી કરે, તો એ જ અધ્યાત્મની સરળ સીડી બની જાય છે. અધ્યાત્મ કોઈ અલગ જગત નથી; એ તો જીવનની અંદર છુપાયેલ પરમાત્માનો પ્રકાશ છે, જે યોગ્ય સાધનાથી જ પ્રગટ થાય છે.

દરેક માનવી એક અનોખો સ્વભાવ લઈને જન્મે છે. કોઈ વિચારક હોય છે, કોઈ કર્મઠ, કોઈ કલાપ્રેમી, તો કોઈ સેવા પ્રધાન. આ સ્વભાવ ભગવાને આપેલી ભેટ છે. સ્વભાવ વિરુદ્ધ જઈને સાધના કરવી એ શરીરને બળજબરીથી ખેંચવા જેવું છે; થોડીવાર ચાલે, પરંતુ અંતે થાક અને વિમુખતા આવે. જ્યારે સ્વભાવ અનુસાર કર્મ થાય છે, ત્યારે તેમાં સહજતા હોય છે, રસ હોય છે, અને એ રસ જ સાધનાને જીવંત રાખે છે. ગીતા કહે છે કે સ્વધર્મનું પાલન કરવું શ્રેષ્ઠ છે, ભલે તે અલ્પગુણયુક્ત હોય; પરધર્મ ભયકારક છે. આ વાક્યમાં અધ્યાત્મનો ઊંડો મર્મ છુપાયેલો છે.

ભગવાન સ્વામિનારાયણ આ માટે ‘અંગ’ શબ્દ પ્રયુક્ત કરે છે. તેમણે વચનામૃતમાં કહ્યું કે પોતાના અંગને ઓળખીને તે પ્રમાણે સાધનામાં જોડાવું જોઈએ. હા, આ સ્વભાવ નિયત કર્મ ફરજભાવથી કરેલું કર્મ, ફળની લાલસા વગર, અહંકાર વગરનું ચોક્કસ હોવું જોઈએ. જ્યારે ખેડૂત ખેતરમાં મહેનત કરે છે, શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે છે, માતા સંતાનનું પાલન કરે છે, કે સંન્યાસી સમાજને માર્ગદર્શન આપે છે, આ બધું નિયત કર્મ છે. પ્રશ્ન કર્મનો નથી, ભાવનો છે. જો કર્મ હું કરું છુંના ભાવથી થાય, તો બંધન બને છે; અને જો મારા દ્વારા જરૂર થાય છે પણ કરે તો ભગવાન જ છેના ભાવથી થાય, તો મુક્તિ તરફ લઈ જાય છે. અધ્યાત્મ અહીંથી શરૂ થાય છે.

અધ્યાત્મસિદ્ધિ કોઈ ચમત્કાર નથી, કોઈ આકાશમાંથી પડતી ગેબી મહેર નથી. એ તો સાધનાની જ્યોત ઉપર ધીમે ધીમે પકતી આંતરિક સ્થિતિ છે. જે માણસ રોજિંદા જીવનમાં ગુરુવચન, સત્ય, ન્યાય, કરુણા અને સમર્પણ સાથે પોતાના કાર્યમાં તન્મય રહે છે, એ અનાયાસે અધ્યાત્મ તરફ આગળ વધે છે. તેની પ્રાર્થના શબ્દોમાં ન પણ હોય, પરંતુ તેનું જીવન જ પ્રાર્થના બની જાય છે. તેના કર્મમાં જાપ હોય છે અને તેની ફરજમાં જ ધ્યાન છુપાયેલું હોય છે.

આમ, અધ્યાત્મ કોઈ પલાયન નથી, એ તો જીવન સાથે આંખમાં આંખ નાખીને જીવવાની હિંમત છે. સંસારની ધૂળમાં રહીને પણ જે માણસ પોતાના મનને મેલું થવા દેતો નથી, એ જ સાચો સાધક છે. દીવો અંધકારમાં જ પ્રગટે છે; પ્રકાશ માટે અંધકાર છોડવો પડતો નથી. તેવી જ રીતે અધ્યાત્મ માટે જીવન છોડવું પડતું નથી, જીવનને સમજવું પડે છે.

સ્વાભાવિક રીતે જે કર્મ આપણા સ્વભાવમાંથી વહે છે, તેમાં એક અનોખો આનંદ છલકાય છે. એ આનંદ ન વખાણ માગે, ન પુરસ્કાર! 

ગામના કિનારે એક વૃદ્ધ માળી રહેતો હતો. દર સવારે તે પોતાના નાના બગીચામાં ઊગતા છોડને પાણી આપતો, સૂકા પાંદડાં હટાવતો, અને ધીમે ધીમે માટીને હથેળીથી સમારતો. કોઈએ ક્યારેય તેને બજારમાં ફૂલો વેચતા જોયો નહીં. કોઈ ઘરે આવીને ખરીદે તો આપે. તેની પાસે આ છોડો સિવાય બીજું કશું જ ન હતું. છતાં, તેની આંખોમાં એક અજાણી શાંતિ હતી. એક દિવસ કોઈએ પૂછ્યું, આટલી મહેનત શા માટે? લાભ શું? વૃદ્ધ હળવે હસ્યો, લાભ? આમાંથી એક પણ ફૂલ ખીલે ત્યારે મારું મન પણ ખીલે છે.

એ ફૂલો રસ્તે જતા લોકોને સુગંધ આપતા; કોઈ રોકાતું, કોઈ ન રોકાતું. માળીને એની પરવા નહોતી. કારણ કે એ કર્મ તેની અંદરની સ્વાભાવિક પ્રેરણાથી જન્મેલું હતું. દબાણથી નહીં, પણ સહજભાવથી!

મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે જે સ્વાભાવિક કર્મ ભગવાનની પ્રસન્નતા માટે થાય છે, ત્યારે કર્મ સામાન્ય રહેતું નથી. તે સામાન્ય કામ પણ સાધના બની જાય છે. એ જ ક્ષણે માણસ જાણે છે કે આનંદ ક્યાંય દૂર નથી, એ તો એની સાધનામાં, તેના પોતાના શ્વાસમાં, અને તેના પોતાના ભાવમાં જ વસે છે. આવી સમજણથી જ અધ્યાત્મસિદ્ધિનો સાચો આરંભ છે.