Wed Sep 09 2026

Logo

ઓલા, ઉબેર અને રેપિડો એપ બંધ કરવાના આદેશ મુદ્દે સરકારે કેમ યુ-ટર્ન લીધો? જાણો અસલી કારણ

2026-05-17 21:10:08
Author: Mumbai Samachar Team
ઓલા, ઉબેર અને રેપિડો એપ બંધ કરવાના આદેશ મુદ્દે સરકારે કેમ યુ-ટર્ન લીધો? જાણો અસલી કારણ

મુંબઈઃ મહારાષ્ટ્રના લાખો મુસાફરોને મોટી રાહત આપતા મહારાષ્ટ્ર સાયબર વિભાગે ઓલા, ઉબેર અને રેપિડોની એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી માત્ર 24 કલાકમાં દૂર કરવાના પોતાના આદેશ પર સ્ટે મૂક્યો છે. 

સરકારે 24 કલાકની અંદર પોતાના નિણર્યમાંથી યુ-ટર્ન લેતાં, મુસાફરોને રાહત થશે અને ઓફિસ જવા નિયમિત આ સેવાનો ઉપયોગ કરનારા અઠવાડિયાના પહેલા દિવસે, સોમવારે સમયસર ઓફિસ પહોંચી શકશે.

શુક્રવારે સાયબર વિભાગે આઇટી એક્ટની કલમ 79 (3) (b) હેઠળ ગુગલ અને એપલને નોટિસ મોકલીને ત્રણેય એપ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, જેનાથી દેશના ટેક અને ટ્રાન્સપોર્ટ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. હકીકતમાં, ગયા વર્ષે, સરકારે 'મહારાષ્ટ્ર બાઇક ટેક્સી રૂલ્સ 2025' લાગુ કર્યો હતો, જેમાં ફક્ત પીળી ઇલેક્ટ્રિક બાઇક ટેક્સીઓને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. 

જોકે, આ કંપનીઓએ પેટ્રોલ ગાડીઓનો ઉપયોગ ચાલુ રાખીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણે, માર્ચ 2026 માં તેમના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. જોકે, સેવાઓ ગુપ્ત રીતે ચાલુ રહી હોવાથી, સાયબર વિભાગે 15 મેના રોજ એપ્સને સીધી દૂર કરવા માટે આક્રમક નોટિસ જારી કરી હતી.

જો આ એપ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોત, તો રાજ્યમાં કેબ અને ઓટો સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હોત, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત. તેથી, સૂત્રોએ માહિતી આપી હતી કે સરકાર હવે કેબ સેવાઓમાં ખલેલ પહોંચાડ્યા વિના ફક્ત 'ગેરકાયદેસર બાઇક ટેક્સીઓ' કેવી રીતે બંધ કરવી તે અંગે મધ્યમ માર્ગ શોધી રહી છે. 

સરકારે એક જ દિવસમાં એપ પર પ્રતિબંધ મૂક્યો હોત તો આ નિર્ણય કોર્ટમાં કેટલો સમય ટકી શક્યો હોત, તે બાબત પણ કેટલાક અધિકારીઓને શંકા હતી. તેથી જ એવું કહેવાય છે કે એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

હાલ પૂરતું, સામાન્ય મુસાફરોની દુર્દશા ટાળવા માટે જૂની એપ્સ કાર્યરત રહેશે, પરંતુ સૂત્રોએ માહિતી આપી હતી કે સાયબર ટીમ ગેરકાયદેસર બાઇક ટેક્સીઓ પર ટેકનિકલ રોક કેવી રીતે લગાવવી તે અંગે કામ કરી રહી છે. 

દરમિયાન આ બાઇક ટેક્સી વિવાદ 2020 થી ચાલી રહ્યો છે. રેપિડોએ લાઇસન્સ વિના તેની સેવા શરૂ કર્યા પછી બોમ્બે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ખાનગી ટુ-વ્હીલર્સના વ્યાપારી ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને કંપનીને ફટકો આપ્યો હતો.