ભુજ: કચ્છમાં કાળઝાળ ગરમી અને પ્રચંડ લૂના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. જિલ્લામાં મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચકાઈને ૪૩ ડિગ્રીની નજીક પહોંચી જતાં મધ્યાહ્ન સમયે માર્ગો સૂમસામ બની ગયા હતા અને સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં તાપમાન ૪૨.૬ ડિગ્રી અને કંડલા (એરપોર્ટ) ખાતે ૪૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે હજુ પણ બે દિવસ ગરમ અને ભેજયુક્ત માહોલ રહેવાની આગાહી કરી છે, જેને પગલે વહીવટી તંત્રે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માર્ગદર્શિકા જાહેર કરી છે.
દરમ્યાન, અંગારા ઓકતી ગરમીની વચ્ચે કચ્છમાં પાણીનો પોકાર પણ તીવ્ર બન્યો છે. છેલ્લા એક પખવાડિયાથી ભુજ સહિતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરંભે પડી છે. નર્મદાનું ૪૦૦ એમ.એલ.ડી. પાણી અને સ્થાનિક સ્ત્રોતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, તંત્રની અણઆવડત અને વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે આ જળસંકટ માનવસર્જિત બન્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ભુજ જેવા શહેરોમાં ૩ થી ૪ દિવસે માંડ એકવાર પાણી મળતું હોવાથી નગરપાલિકા અને ખાનગી ટેન્કરોના આંટાફેરા વધી ગયા છે. પાણીની ચોરી રોકવા માટે હવે તંત્રે ભૂતિયા કનેક્શન કાપવાની ઝુંબેશ પણ શરૂ કરી છે.નલ સે જલ યોજના હેઠળ જિલ્લાના ચાર લાખ ઘરોમાં પાણી પહોંચાડવાના સરકારી દાવાઓ વચ્ચે વાસ્તવિક ચિત્ર ચિંતાજનક છે.
જિલ્લાના ૧૫૦થી વધુ અંતરિયાળ ગામો અને વાંઢો (નેસડા) હાલમાં સંપૂર્ણપણે ટેન્કર આધારિત બની ગયા છે, જ્યાં પાણી પહોંચાડવા માટે ૧૫૦થી વધુ ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. જો કે, ટેન્કરોના ચૂકવણામાં આર્થિક ગેરરીતિની ચર્ચાઓ પણ ઉઠી રહી છે. સંકલન સમિતિની બેઠકમાં આ ગંભીર મુદ્દો ગાજતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ પ્રાંત અધિકારીઓ અને પાણી પુરવઠા વિભાગને પરસ્પર સંકલન સાધીને આ વિકટ જળ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી તાકીદ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)