મેડ્રિડ: દક્ષિણ સ્પેનના માલાગાથી રાજધાની મેડ્રિડ જઈ રહેલી એક હાઈ-સ્પીડ ટ્રેન ભયાનક અકસ્માતનો ભોગ બની છે. અજ્ઞાત કારણોસર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈને નજીકના ઢોળાવ પર ખાબકી હતી. આ કરુણાંતિકામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, આ અકસ્માતમાં એક શ્વાન ખોવાયો છે. જેને શોધવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
'બોરો' પણ અમારો પરિવાર છે
સ્પેનમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માત અકસ્માતમાંથી બચી ગયેલી 26 વર્ષીય ગર્ભવતી મહિલા અના ગાર્સિયા અને તેની બહેનને બચાવ ટીમોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, ગાર્સિયા આ આઘાત વચ્ચે પણ પોતાના ગુમ થયેલા પાલતુ કૂતરા 'બોરો' માટે રડી રહી હતી. ગાર્સિયાએ મીડિયા સમક્ષ અપીલ કરતા કહ્યું, "કૃપા કરીને મારા બોરોને શોધવામાં મદદ કરો. તે પણ અમારો પરિવાર છે."
AP/Manu Fernandez
ગાર્સિયાની આ આજીજીએ સ્પેનના લોકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર 'બોરો'ને શોધવા માટે હજારો લોકોએ તેની તસવીરો શેર કરી છે. બોરો મધ્યમ કદનો કાળો કૂતરો છે, જેની છાતી પર સફેદ વાળનો ટુકડો છે. મુખ્ય મીડિયા આઉટલેટ્સ પણ આ સર્ચ ઓપરેશનને કવર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટીવી બ્રોડકાસ્ટર TVE ના ફૂટેજમાં અકસ્માત સ્થળ નજીકના ખેતરમાં બોરો જેવો જ એક કૂતરો દોડતો જોવા મળ્યો હતો. જોકે, હાલમાં અકસ્માત સ્થળ તપાસ માટે બંધ છે, પરંતુ સ્પેનના 'એનિમલ રાઇટ્સ પોલિટિકલ પાર્ટી'એ ગૃહ મંત્રાલય પાસેથી ખાસ મંજૂરી માંગી છે. પાર્ટીના પ્રમુખ જાવિઅર લુનાએ ખાતરી આપી છે કે, આજે તેમની વિશેષ એનિમલ રેસ્ક્યૂ ટીમ ત્યાં પહોંચશે અને બોરોને શોધીને પરિવારને સોંપશે.