દિવ્યકાંત પંડ્યા
એક સમય હતો જ્યારે ફિલ્મ્સ મનોરંજનનું સૌથી મોટું માધ્યમ હતી. નવી ફિલ્મ રિલીઝ થાય એટલે તેની ચર્ચા ઓફિસમાં, કોલેજમાં, મિત્રોના ગ્રૂપમાં અને ઘરમાં થતી. ફિલ્મનાં ગીતો મહિનાઓ સુધી વાગતા રહેતાં અને મોટા સ્ટાર્સ લોકોની રોજિંદી વાતચીતનો ભાગ બની જતા. જોકે આજે Gen Z તરીકે ઓળખાતી પેઢી સાથે ફિલ્મ્સ જોવાની રીત જ બદલાઈ ગઈ છે. હકીકતમાં પ્રશ્ર્ન એ નથી કેGen Z ને બોલિવૂડ ગમે છે કે નહીં. પ્રશ્ન એ છે કે તે પેઢી બોલિવૂડને કેવી રીતે જુએ છે.
આજની પેઢી માટે ફિલ્મ્સ હવે મનોરંજનનો એકમાત્ર વિકલ્પ નથી. ફોન હાથમાં લો એટલે યુ્ટ્યૂબ છે, ઇન્સ્ટાગ્રામ છે, રીલ્સ છે, ઓટીટી છે, પૉડકાસ્ટ્સ છે, ગેમિંગ છે અને હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ છે. એક જ વ્યક્તિ દિવસમાં દસ પ્રકારનું કન્ટેન્ટ જોઈ શકે છે એટલે બોલિવૂડની સ્પર્ધા હવે માત્ર બીજી ફિલ્મ્સ સાથે નથી. તે દરેક એવી વસ્તુ સાથે છે જે લોકોનો સમય અને ધ્યાન ખેંચી શકે.
ફિલ્મ્સ શોધવાની રીત પણ આખેઆખી બદલાઈ ગઈ છે. પહેલાં ટ્રેલર ટીવી પર આવતું, અખબારમાં જાહેરાત આવતી કે પછી મિત્રોની વાતોથી ફિલ્મ વિશે ખબર પડતી. આજે ઘણા યુવાનોને ફિલ્મનું નામ ખબર પડે એ પહેલાં તેનો કોઈ ડાયલૉગ, કોઈ સીન કે કોઈ ગીત રીલમાં દેખાઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે લોકોએ આખી ફિલ્મ જોઈ નથી હોતી, પણ તેનો એક વાઇરલ સીન તેમને યાદ હોય છે. ‘તમાશા’, ‘રોકસ્ટાર’ કે ‘યે જવાની હૈ દીવાની’ જેવી ફિલ્મ્સ આજે પણ નવી પેઢી સુધી રીલ્સ દ્વારા પહોંચી રહી છે. સોશ્યલ મીડિયા પર ક્યારેક ફિલ્મ કરતાં ફિલ્મની એક ક્લિપ વધુ લોકપ્રિય બની જાય છે.
Gen Z ફિલ્મ્સને પણ અલગ રીતે કન્ઝ્યુમ કરે છે. ઘણી વખત આખી ફિલ્મ કરતાં તેના અમુક સીન્સ વધુ લોકપ્રિય બને છે. કોઈ ડાયલૉગ, કોઈ ઇમોશનલ સીન, કોઈ રોમેન્ટિક મોમેન્ટ કે કોઈ ગીત સોશ્યલ મીડિયા પર એટલું ફરતું રહે છે કે ફિલ્મ ન જોનાર વ્યક્તિ પણ તેને ઓળખી જાય. પહેલાં ફિલ્મ એક સંપૂર્ણ અનુભવ હતી. આજે ઘણી વખત ફિલ્મના ટુકડા પોતાની અલગ જ જિંદગી જીવતા હોય છે.
ફેનડમ પણ પહેલાં જેવું રહ્યું નથી. એક સમય હતો જ્યારે લોકો પોતાને શાહરુખ ખાનના ફૅન કે સલમાન ખાનના ફૅન તરીકે ઓળખાવતા. આજે ઘણા યુવાનો કોઈ સ્ટાર કરતાં કોઈ ખાસ પાત્ર કે ખાસ પરફોર્મન્સ સાથે વધુ જોડાય છે. કોઈને ‘એનિમલ’માં રણબીર કપૂર ગમે, કોઈને ‘છાવા’માં વિકી કૌશલ ગમે, પરંતુ એનો અર્થ એ નથી કે તે હવે એ સ્ટારના દરેક પ્રોજેક્ટ પાછળ જશે. ‘હાઇવે’માં આલિયા ભટ્ટ ગમે, પણ તેની ‘આલ્ફા’ને ટ્રોલ કરી શકે છે. સ્ટાર્સ હજુ પણ મહત્ત્વના છે, પરંતુ તેમનો પ્રભાવ પહેલાંની જેમ એકતરફી રહ્યો નથી.
બીજી એક રસપ્રદ વાત એ છે કે આજની પેઢી માટે ગ્લૅમર કરતાં ઓરિજિનાલિટી વધુ મહત્ત્વની બની રહી છે. લોકો હવે માત્ર ફિલ્મ્સમાં દેખાતો સ્ટાર નથી જોતા. તે પૉડકાસ્ટ જુએ છે, ઇન્ટરવ્યૂ જુએ છે, બિહાઇન્ડ ધ સીન્સ વીડિયો જુએ છે અને સ્ટાર ખરેખર કેવો છે એ જાણવામાં રસ લે છે. કદાચ એ કારણ છે કે આજે ઘણા કલાકારો માટે તેમની સોશ્યલ મીડિયા પ્રેઝન્સ પણ એટલી જ મહત્ત્વની બની ગઈ છે જેટલી તેમની ફિલ્મ્સ.
ફિલ્મ્સની ચર્ચા કરવાની રીતમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. પહેલાં રિવ્યૂઝ વાંચીને કે ટીવી પરની ચર્ચાઓ જોઈને લોકો અભિપ્રાય બાંધતા. આજે મીમ્સ, સોશ્યલ મીડિયા પોસ્ટ્સ, યુટ્યૂબ રિએક્શન્સ અને ઑનલાઇન ચર્ચાઓ ઘણી વખત રિવ્યૂ કરતાં વધુ અસર કરે છે. કોઈ ફિલ્મ વિશેનો માહોલ હવે દિવસો કે અઠવાડિયામાં નહીં, પરંતુ કલાકોમાં બની જાય છે. ક્યારેક એક મીમ પણ ફિલ્મની ઈમેજને અસર કરી શકે છે.
થિયેટર જવાની આદત પણ બદલાઈ ગઈ છે. પહેલાં લોકો નિયમિત ફિલ્મ જોવા જતા. આજે ઘણા યુવાનો માટે થિયેટર જવું એક ઇવેન્ટ બની ગયું છે. એવી ફિલ્મ જેનો માહોલ હોય, જેના વિશે બધે ચર્ચા થતી હોય કે જે મોટી સ્ક્રીન પર જોવાનો અનુભવ આપે, તેવી ફિલ્મ્સ માટે લોકો હજુ પણ થિયેટર પહોંચે છે. ‘સ્ત્રી 2’, ‘એનિમલ’, ‘છાવા’ કે હોલિવૂડની ઇવેન્ટ ફિલ્મ્સે એ સાબિત પણ કર્યું છે.
જોકે સૌથી મોટો ફેરફાર કદાચ એ છે કે Gen Z માત્ર દર્શક નથી. તે ફિલ્મ વિશે પોસ્ટ કરે છે, મીમ્સ બનાવે છે, એડિટ્સ બનાવે છે, ચર્ચા કરે છે અને પોતાનો અભિપ્રાય જાહેરમાં મૂકે છે. એટલે હવે દરેક દર્શક થોડોક ક્રિટિક પણ છે, થોડોક માર્કેટર પણ છે અને થોડોક ક્ધટેન્ટ ક્રિએટર પણ છે. ફિલ્મનો અંત હવે થિયેટરની બહાર નીકળતાં નથી આવતો. તેની ચર્ચા અને તેની સફર સોશ્યલ મીડિયા પર આગળ વધતી રહે છે.
આ બધાનો અર્થ એવો નથી કે Gen Z ને ફિલ્મ્સ ઓછી ગમે છે. વાત માત્ર એટલી છે કે ફિલ્મ્સ હવે તેમની દુનિયાનું એકમાત્ર કેન્દ્ર નથી રહી. છતાં જ્યારે કોઈ ફિલ્મ આ બધા શોર વચ્ચે પોતાનું સ્થાન બનાવી લે છે ત્યારે તે આજે પણ લોકો પર એટલી જ અસર છોડી શકે છે જેટલી પહેલાં કરતી હતી.
લાસ્ટ શોટ
આજના દર્શક માટે ફિલ્મ સારી હોવી જરૂરી છે, પણ તેની સાથે તે સરળતાથી મળી રહેવી પણ એટલી જ જરૂરી છે.