નવી દિલ્હી: ભારત આગામી 26 જાન્યુઆરી, 2026ના રોજ પોતાનો 77મો ગણતંત્ર દિવસ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અવસર પર દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વારસાના પ્રદર્શન સાથે યોજાનારી આ પરેડ માટે કર્તવ્ય પથ સજ્જ થઈ રહ્યો છે. આ વર્ષે સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ અણધારી ઘટનાને ટાળી શકાય અને નાગરિકો નિર્ભયતાથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી શકે.
AI સ્માર્ટ ગ્લાસ અને 3000 કેમેરા: દિલ્હીમાં હાઈટેક સુરક્ષા કવચ
દિલ્હી પોલીસ દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે નવી દિલ્હી વિસ્તારમાં આશરે 10000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાને હાઈટેક બનાવવા માટે પ્રથમ વખત એઆઈ (AI) બેઝ્ડ સ્માર્ટ ગ્લાસ અને ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) થી સજ્જ 3000થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ ગ્લાસ પહેરેલા પોલીસ જવાનો ભીડમાં પણ શંકાસ્પદ કે ગુનેગારોને તુરંત ઓળખી શકશે. સમગ્ર વિસ્તારમાં 30 કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાના અનેક સ્તરો તૈયાર કરાયા છે.
આ વર્ષના ગણતંત્ર દિવસ સમારોહમાં યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વર્ષ 2026ની પરેડની તમામ ઔપચારિકતાઓનું નેતૃત્વ ભારતીય વાયુસેના કરી રહી છે. સ્ક્વોડ્રન લીડર જગદેશ કુમારના નેતૃત્વમાં 144 વાયુ સૈનિકોની ટુકડી માર્ચિંગ કરશે. આ પરેડમાં ભારતની સ્વદેશી હથિયાર પ્રણાલી અને મિસાઈલોનું શક્તિ પ્રદર્શન વિશ્વ આખું નિહાળશે.
આ વર્ષે પરેડમાં કુલ ૩૦ ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 13 મંત્રાલયોની ઝાંખીઓ સામેલ છે. ‘સંગ્રામ સે રાષ્ટ્ર નિર્માણ તક’ થીમ પર આધારિત પૂર્વ સૈનિકોની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં 1965, 1971 અને કારગિલ યુદ્ધના સ્મરણો તાજા કરવામાં આવશે. આ ઉપરાંત, ‘વંદે માતરમ્’ ના 150 વર્ષ અને ‘આત્મનિર્ભર ભારત’ ની ઝાંખીઓ દ્વારા દેશની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિવિધતાને રજૂ કરવામાં આવશે.