Tue Jan 27 2026

Logo

White Logo

રતનમહાલ બનશે વાઘનું કાયમી ઘર: સંરક્ષણ માટે સરકારનો માસ્ટર પ્લાન તૈયાર

4 days ago
Author: Devayat Khatana
Video

NTCAના સહયોગથી રતનમહાલમાં વાઘની સુરક્ષા અને ખોરાક માટે વિશેષ આયોજન

ગાંધીનગર: ગુજરાત હવે સિંહ, દીપડા બાદ હવે વાઘનું પણ ઘર બની ગયું છે. રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરીથી ગુજરાતને વન્યજીવ ક્ષેત્રે એક મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. ત્યારે આ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઇ હતી. આ બેઠક અંગે પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપી હતી.  

અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ 'નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી' સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવામાં આવશે.  રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપવા, સાથે જ પ્રવાસીઓ-વિઝિટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા રાજ્ય સરકારે વન વિભાગને સૂચનો કર્યા હતા. જે સંદર્ભે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે.