Sun Sep 13 2026

Logo

પુણેમાં લૉરેન્સ બિશ્નોઇ ગૅન્ગના શૂટરોનો પ્રખ્યાત ફર્નિચર મૉલ પર ગોળીબાર

2026-05-16 17:56:00
Author: Yogesh C. Patel
પુણેમાં લૉરેન્સ બિશ્નોઇ ગૅન્ગના શૂટરોનો પ્રખ્યાત ફર્નિચર મૉલ પર ગોળીબાર

પુણે: મુંબઈમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર કર્યા બાદ હવે લૉરેન્સ બિશ્નોઇ ગૅન્ગે પુણે પર નજર ફેરવી હોવાનું જણાઈ રહ્યું છે. બિશ્ર્નો ગૅન્ગના બે શૂટર્સ પિંપરી-ચિંચવડના પ્રખ્યાત ફર્નિચર મૉલ પર ગોળીબાર કરી બાઈક પર ફરાર થઈ ગયા હોવાની ઘટના શુક્રવારે બની હતી. મૉલના માલિકે ધમકીભર્યા કૉલની અવગણના કરી હતી, જેને પગલે ગોળીબાર બાદ શુભમ લોણકર અને આરઝુ બિશ્નોઇની ધમકીભરી સોશ્યલ મીડિયા પોસ્ટ વેપારીને મોકલવામાં આવી હતી.

પિંપરી-ચિંચવડ પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) શિવાજી પવારે જણાવ્યું હતું શુક્રવારની રાતે 9 વાગ્યાની આસપાસ રવેત વિસ્તારમાં આવેલા એ. જે. ફર્નિચર મૉલ પર ગોળીબારની ઘટના બની હતી. આ હુમલામાં કોઈ જખમી થયું નહોતું, પરંતુ મૉલની ગ્લાસ ફસાડ તૂટી ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૉલના માલિકને ઘટનાના થોડા દિવસ અગાઉ ધમકીભર્યો કૉલ આવ્યો હતો, પરંતુ તેણે ધમકીની અવગણના કરી નંબર બ્લૉક કરી દીધો હતો.


ગોળીબાર પછી મૉલના માલિકને સોશ્યલ મીડિયા પોસ્ટનો એક સ્ક્રીનશૉટ મોકલવામાં આવ્યો હતો, જેમાં લૉરેન્સ બિશ્નોઇ ગૅન્ગે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એ સિવાય એક ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જે બિશ્નોઇ ગૅન્ગના સભ્યની હોવાનું કહેવાય છે. જે અમારી વિરુદ્ધમાં છે તેની સાથે અમારી ટૂંક સમયમાં જ મુલાકાત થશે, એવી ચીમકી આ ઑડિયોમાં હોવાનું કહેવાય છે.

પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં બે બાઈકસવાર મૉલ નજીક આવે છે અને ગોળીબાર કરતા નજરે પડે છે. બન્ને હુમલાખોરે પિસ્તોલમાંથી પાંચથી છ રાઉન્ડ ફાયર કર્યા હતા.

ડીસીપી શિવાજી પવારે જણાવ્યું હતું કે હુમલાની જવાબદારીના દાવાવાળી આરઝુ બિશ્નોઇ અને શુભમ લોણકરની પોસ્ટની ખાતરી પોલીસ કરી રહી છે. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધ ચલાવાઈ રહી છે.