થાણે: રત્નાગિરિ જિલ્લામાં જમીનના રેકોર્ડ અપડેટ કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહેસૂલ વિભાગની બે મહિલા કર્મચારીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી-રત્નાગિરિ) અવિનાશ પાટીલે જણાવ્યું હતું કે એસીબીના રત્નાગિરિ યુનિટે ગુરુવારે રાજાપુરમાં તલવાડે ખાતે કાર્યરત કોતવાલ તલાઠી સંજના નંદકુમાર માને (41) અને સર્કલ ઓફિસર પૂનમ જયસિંહ ગાવિત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
એસીબીના જણાવ્યા અનુસાર ફરિયાદી મહિલાનાં માતા-પિતા રાજાપુરના જાવલેથરમાં વારસાગત જમીન ધરાવતા હોઇ ફરિયાદીએ તેના પતિનું નામ સત્તાવાર રીતે જમીનના રેકોર્ડમાં સામેલ કરવામાં આવે એ માટે સ્થાનિક મહેસૂલ ઓફિસમાં અરજી કરી હતી.દરમિયાન પૂનમ ગાવિતે પ્રક્રિયા શરૂ કરવા અને કામ પૂર્ણ કરવા માટે માને મારફત ફરિયાદી પાસે પચીસ હજાર રૂપિયાની લાંચ માગી હતી અને તડજોડને અંતે તેણે 20 હજાર રૂપિયા લેવાની તૈયારી દર્શાવી હતી.
ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. આથી એસીબીના અધિકારીઓએ તપાસ કર્યા બાદ ગુરુવારે છટકું ગોઠવીને માનેને લાંચ લેતાં રંગેહાથ પકડી પાડી હતી. બાદમાં ગાવિતને પણ તાબામાં લેવાઇ હતી. બંને વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)