નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. સરકારે સોનાચાંદીમાં ઈમ્પોર્ટ ડ્યૂટી વધાર્યા પછી ઇંધણના ભાવ પણ વધાર્યા છે. સીએનજી બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પટ્રોલ-ડીઝલમાં વધારો થતાં તમામ વસ્તુના ભાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં આમ આદમી પર મોંઘવારીનો ખતરો વધી ગયો છે. મોંઘવારીના મારની સાથે લોનનો EMI (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) પણ વધવાની આશંકા છે.
જ્યારે દેશમાં ચીજ વસ્તુના ભાવ ઝડપથી વધવા લાગે અને મોંઘવારી RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના નિયંત્રણથી બહાર જાય ત્યારે કેન્દ્રીય બેંક રેપો રેટ વધારવાનો નિર્ણય લે છે. રિઝર્વ બેંક મોંઘવારીને ચારથી 6 ટકા વચ્ચે રાખવાની કોશિશ કરે છે. જો ખાણીપીણીની ચીજવસ્તુઓ, ઈંધણ કે અન્ય જરૂરી સેવાઓ વધારે મોંઘી લાગે તો મોંઘવારીને કંટ્રોલમાં કરવા રેપો રેટ વધારવા જેવા પગલાં લેવામાં આવે છે.
રેપો રેટ વધ્યા બાદ બેંકો માટે આરબીઆઈમાંથી ઋણ લેવું મોંઘું થાય છે. જે બાદ બેંકો પણ હોમ લોન, કાર લોન તથા અન્ય બીજા ઋણના વ્યાજ દર વધારી દે છે, જ્યારે લોન મોંઘી થાય છે ત્યારે લોકો ખર્ચ ઓછો કરે છે અને નવી ખરીદી કે રોકાણ કરવાથી બચે છે. જેનાથી બજારમાં માંગ ઓછી થવા લાગે છે અને ધીમે ધીમે ચીજવસ્તુની કિંમત પર દબાણ ઘટવા લાગે છે. મોંઘવારીને નિયંત્રણમાં લેવા આરબીઆઈ આવા પગલાં ભરે છે.
રેપો રેટ વધતાં કેમ વધી જાય છે EMI
જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ વધારે છે ત્યારે તેની અસર બેંકમાંથી મળતી લોન પર પડે છે. બેંકો આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે તે રેપો રેટ છે. રેપો રેટ વધવાનો અર્થ બેંકો માટે પૈસા એકત્ર કરવા મોંઘા થઈ ગયા છે. આ સ્થિતિમાં બેંકો તેમનો વધેલો ખર્ચ પૂરો કરવા માટે હોમ લોન, કાર લોન સહિત બીજી અન્ય લોનના વ્યાજ દર વધારે છે.
જેની અસર લોન ઈએમઆઈમાં જોવા મળે છે. વ્યાજદર વધતાં જ દર મહિનાનો EMI વધી જાય છે અથવા લોન ચુકવવાની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવે છે. એટલે કે કુલ મળીને ગ્રાહકે પહેલાની તુલનામાં વધારે વ્યાજ ચૂકવવું પડે છે અને લોનનો કુલ ખર્ચ પણ વધી જાય છે.