Fri May 15 2026

Logo

પુણેની હૉસ્પિટલમાં ટાઇમર સાથે વિસ્ફોટકો મળતાં ફફડાટ

2026-05-14 22:33:07
Author: Yogesh D Patel
Article Image

  •  વિસ્ફોટકોને ગ્લાઇડિંગ સેન્ટરમાં લઇ જઇ નિષ્ક્રિય કરાયાં
     
  •  આતંકવાદ સહિત તમામ પાસાંઓની તપાસ કરાઇ રહી છે
     
  •  એટીએસે પણ તપાસનો દોર હાથમાં લીધો

પુણે: પુણેના હડપસર વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં બુધવારે સાંજના વિસ્ફોટકો સાથેનું ડિવાઇસ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ સ્કવોડે વિસ્ફોટકોને નજીકના ગ્લાઇડિંગ સેન્ટરમાં લઇ જઇને નિષ્ક્રિય કર્યા બાદ આ પ્રકરણે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એટીએસ પણ જોડાઇ છે. આતંકવાદ સહિત તમામ પાસાંની પણ તપાસ કરાઇ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

હડપસર વિસ્તારમાં કામધેનુ એસ્ટેટ ખાતેની ઉષા કિરણ હૉસ્પિટલના વૉશરૂમમાં બુધવારે સાંજના સર્કિટ તેમ જ ટાઇમર સાથે જોડાયેલી બોમ્બ જેવી વસ્તુ પર એક ડોક્ટરની નજર પડી હતી. આથી ડોક્ટરે તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરીને આ અંગે જાણ કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓની સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની ટીમ ત્વરિત હોસ્પિટલમાં આવી પહોંચી હતી. બીડીડીએસની ટીમ એ વસ્તુને નજીકના ગ્લાઇડિંગ સેન્ટરમાં લઇ ગઇ હતી, જ્યાં ખુલ્લી જગ્યામાં તેને નિષ્ક્રિય કરવામાં આવી હતી. 
પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે બીડીડીએસની ટીમે એ ડિવાઇસ નિષ્ક્રિય કરીને પ્રશંસનીય કામ કર્યું છે.

દરમિયાન પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે એ ઓછી તીવ્રતાનાં વિસ્ફોટકો હતાં. પુણે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમોએ આ અંગે તપાસ હાથ ધરી હોઇ આતંકવાદ સહિત તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટકો મૂકવા પાછળનો હેતુ ડર ફેલાવવા માટે હતો કે તેની પાછળ કોઇ મોટું કાવતરું હતું, તેની પણ તપાસ કરાઇ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

હોસ્પિટલના ડૉક્ટર વિલાસ ગાયકવાડે જણાવ્યું હતું કે બુધવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બીજા માળે વૉશરૂમમાં પડેલા બોક્સમાં બોમ્બ જેવી વસ્તુ મળી આવી હતી. આથી પોલીસ ક્ધટ્રોલ રૂમને તાત્કાલિક કૉલ કરીને તેની જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે કહ્યું હતું કે ડિવાઇસની અંદર વાયર સાથે ટાઇમર અને સ્ટિક્સ જોડાયેલી હતી. 

સાત કલાક બાદ ધડાકો થવાનો હતો?

હડપસરની ખાનગી હૉસ્પિટલના વૉશરૂમમાંથી મળી આવેલા ડિવાઇસ સાથે સર્કિટ તેમ જ ટાઇમર જોડવામાં આવ્યાં હતાં અને તેમાં સાત કલાકનો ટાઇમ સૅટ કરવામાં આવ્યો હતો. આથી સાત કલાકમાં ધડાકો થવાનો અંદાજ માણવામાં આવ્યો હતો. બીડીડીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટાઇમર જોયા બાદ સુરક્ષાની દૃષ્ટિએ પરિસરને ખાલી કરાવવામાં આવ્યો હતો, જેને કારણે દર્દીઓ, તેમના સગાંવહાલાં, કર્મચારીઓ તથા નજીકના વિસ્તારમાં રહેવાસીમાં ગભરાટ ફેલાયો હતો. ઓછી તીવ્રતાના વિસ્ફટકો સાથેના એ ડિવાઇસને ત્યાર બાદ ગ્લાઇડિંગ સેન્ટરમાં લઇ જઇને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. 

સીસીટીવી કેમેરામાં સ્કૂટરસવાર કેદ

વૉશરૂમમાં વિસ્ફોટકો મળ્યા બાદ પોલીસે હૉસ્પિટલ પરિસર તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવાર શકમંદ કેદ થયો હતો, જેણે વિસ્ફોકટો રાખ્યા હોવાનું લાગી રહ્યું છે. હેલ્મેટ પહેરેલો શકમંદ સ્કૂટર પર જતો નજરે પડ્યો હતો અને પોલીસ હવે સીસીટીવી ફૂટેજને આધારે શકમંદની શોધ ચલાવી રહી છે. પોલીસની ત્રણ ટીમ તપાસ માટે તૈયાર કરવામાં આવી છે. દરમિયાન પોલીસે કેટલાક શકમંદોને તાબામાં લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી.