Sat Sep 05 2026

Logo

‘ગૉડમૅન’ અશોક ખરાત સાથે કડી ધરાવતા ડેપ્યુટી કલેક્ટર સસ્પેન્ડ

2026-05-15 17:27:47
Author: Yogesh C. Patel
‘ગૉડમૅન’ અશોક ખરાત સાથે કડી ધરાવતા ડેપ્યુટી કલેક્ટર સસ્પેન્ડ

મુંબઈ: મહિલાઓ સાથે દુષ્કર્મના આરોપસર ધરપકડ કરાયેલા સ્વઘોષિત જ્યોતીષી અશોક ખરાત સાથે કથિત કડી ધરાવવા બદલ રાજ્ય સરકારે ડેપ્યુટી કલેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા. ખરાત કાંડ સામે આવ્યા પછી આ મામલે પહેલી વાર કોઈ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)માં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર અભિજિત ભાંડે-પાટીલ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસ સૂચવે છે કે પાટીલનું ખરાત સાથે કનેક્શન છે, એવું મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.

નાશિકની મહિલાએ સતત ત્રણ વર્ષ સુધી જાતીય શોષણનો આરોપ લગાવ્યા પછી માર્ચ મહિનામાં અશોક ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જાતીય શોષણ અને છેતરપિંડીના ડઝનથી વધુ ગુના ખરાત વિરુદ્ધ નોંધાયા હતા. જમીન પચાવી પાડવાનો પણ આરોપ તેની સામે છે.

પ્રથમદર્શી પાટીલ દોષી જણાયો છે. પરિણામે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. તપાસ પૂરી થાય ત્યાં સુધી ભાંડે-પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, એવું બાવનકુળેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)