Sun Sep 13 2026

Logo

કરોડો રૂપિયાની ચાંદી લઇને જઈ રહેલી વાન પલટી ગઈ! પોલીસે ગોઠવવો પડ્યો કડક બંદોબસ્ત

2026-05-15 15:10:00
Author: Savan Zalariya
કરોડો રૂપિયાની ચાંદી લઇને જઈ રહેલી વાન પલટી ગઈ! પોલીસે ગોઠવવો પડ્યો કડક બંદોબસ્ત

મુંબઈ: આજે સવારે મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવેના એક ફ્લાયઓવર પર એક વાન પાટલી ગઈ હતી, વાન આશરે 600 કિલો ચાંદી ભરેલી હતી,  જેની અંદાજિત કિંમત આશરે ₹17.66 કરોડ હતી. લુંટફાટના ડરે ગભરાટ ફેલાયો હતો. 

વાન મુંબઈથી ગુજરાત તરફ જઈ રહી હતી ત્યારે ચારોટી ફ્લાયઓવર પર પલટી ગઈ. અકસ્માત થતાં  હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માત અંગે જાણ કરી હતી, પોલીસે તુરંત કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અહેવાલ મુજબ અકસ્માતગ્રસ્ત વાનમાં રહેલી ચાંદીની ઈંટો ગુજરાતના એક વેપારીએ ખરીધી હતી. વાન મુંબઈની નાકોડા બુલિયન કંપનીમાંથી ચાંદી ભરીને ગુજરાતના વાપીના GIDCમાં આવેલી એક કંપનીમાં લઈ જઈ રહી. ચાંદીને પ્રોટેક્ટીવ પેકેજિંગમાં લપેટવામાં આવેલી હોવાથી ચાંદીને કોઈ નુકસાન થયું નહીં. 

વાનમાં મોટી માત્રામાં ચાંદી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. ચાંદીના મોટા જથ્થાને કારણે ઘટનાસ્થળે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, ઘટનાસ્થળની નાકાબંધી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વાનમાંથી ચાંદી અન્ય વાહનમાં ખસેડવામાં આવી હતી.  

અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી, વાનના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ હતી. પોલીસે પ્રાથમિક સારવાર માટે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો.  

અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. ક્રેનનો ઉપયોગ કરીને પલટી ગયેલી વાનને હાઈવે પરથી દૂર કરવામાં આવી હતી.  

હાલમાં પોલીસે કેસ નોંધીને અકસ્માતની તપાસ શરૂ કરી છે.