પુણે: પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં બનેલી આઘાતજનક ઘટનામાં દારૂના નશામાં ચૂર પિતાએ પિશાચી કૃત્ય કરી સગી દીકરીનો જીવ લીધો હતો. પરીક્ષાની માર્કશીટમાં ચેડાં કરનારી નવ વર્ષની માસૂમને બેરહેમીથી માર્યા પછી ઝાડ કાપવાના કટરના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. પછી બાળકીના મૃતદેહને સળગાવી દેવાને ઇરાદે પિતાએ ઘરને આગ લગાડી હતી.દૌંડ પોલીસે આરોપી શાંતારામ ચવ્હાણ (33)ની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. દેઉળગાવરાજે ખાતે રહેતા ચવ્હાણે પહેલી પત્નીથી થયેલી પુત્રી અનામિકા સાથે કરેલા અમાનુષી કૃત્યથી સ્થાનિક પરિસરમાં રોષ ફેલાયો હતો અને આરોપીને કઠોરમાં કઠોર સજા કરવાની માગણી કરાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ અનામિકા અને તેનાથી એક વર્ષ મોટા ભાઈ સંસ્કારનું હાલમાં જ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું. બાળકીએ ભાઈના રિઝલ્ટમાં છેકછાક કરી હતી, જે જોઈને પિતા શાંતારામનું મગજ છટક્યું હતું.કહેવાય છે કે દારૂના નશામાં ચૂર શાંતારામે પહેલાં બાળકીને લાકડાથી ફટકારી હતી. પછી ઝાડ કાપવાના કટરથી તેના પર ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું. ગુનાને છુપાવવા આરોપીએ બાળકીના મૃતદેહને સાડીમાં વીંટાળી હતી અને પછી ઘરને આગ લગાડી હતી.બનાવની જાણ થતાં દૌંડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સળગી ગયેલા ઘરમાંથી પોલીસને બાળકીનો અર્ધબળેલો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો.
જોકે પોલીસને ઘટનાસ્થળેથી લોહીના ડાઘ લાગેલું કટર તેમ જ અન્ય પુરાવા હાથ લાગ્યા હતા. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે.