તહેરાનઃ ઈરાન-અમેરિકા વચ્ચે આગામી 48 કલાકમાં યુદ્ધ ખતમ થઈ શકે છે. મહત્ત્વના ત્રણ મુદ્દાઓ પર સહમતી બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જિનેવા અને ઈસ્લામાબાદમાં બેઠક બાદ બન્ને દેશે એક પાનાનું સમજૂતીપત્ર તૈયાર કરી દીધું છે, જે આગામી સમયમાં જાહેર કરી શકે છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. યુદ્ધને ખતમ કરવા પર સહમતી બન્યા બાદ સૈન્યને પણ ઓર્ડર મળી શકે છે. અમેરિકી વ્હાઈટ હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલીવાર બન્ને દેશમાં સમજૂતીને લઈને સહમતી બની ચૂકી છે.
સમજૂતી પત્ર પર ચર્ચા
યુદ્ધ ખતમ કરવા માટે બન્ને દેશના સમજૂતી પત્ર પર ચર્ચા થઈ છે. આ પત્રમાં ત્રણ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ત્રણ મુદ્દા પર સહમતી પણ બની છે. ઈરાનના વાર્તા ડેલિગેશનમાં સામેલ મોહમ્મદ મરાંડીએ કહ્યું હતું કે, શેર માર્કેટને વેગ આપવા માટે વ્હાઈટ હાઉસે આ પ્રકારનો રિપોર્ટ પ્રકાશિત કરાવ્યો છે. એવામાં ઈરાન એ એલાન કરી શકે છે કે, તે પરમાણું હથિયાર નહીં બનાવે.
એટલું જ નહીં યુરેનિયમનું સંવર્ધન પણ નહીં કરે. ઈરાન પાસે જે યુરેનિયમ છે એ ખતમ કરવાનું એલાન પણ તે કરી શકે છે. આ યુરેનિયમને ક્યાં ખતમ કરવામાં આવશે એ અંગે રહસ્ય છે.બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે, ઈરાન પાસે 440 કિલો યુરેનિયમ છે. એ અમેરિકાને આપી દે.
હોર્મુઝ જળમાર્ગ ખૂલે એવી આશા
સમજૂતી અનુસાર અમેરિકા ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધ ખતમ કરી દેશે, આ અંતર્ગત ઈરાનના ફ્રીઝ થયેલા પૈસા પણ ચૂકવી દેશે. અમેરિકા આ પગલું ભરશે તો સાથે ઈરાનમાં રાહત બચાવના કાર્યો પણ શરૂ કરી દેવાશે. આ માટે ખાસ ફંડ આપવામાં આવશે. વર્ષ 2015માં યુરેનિયમ સંવર્ધનના બદલે અમેરિકાએ 150 ડૉલરની રકમ અનફ્રીઝ કરવાની વાત કરી હતી.
એ પછી ટ્રમ્પે આ મુદ્દાનો કોઈ અમલ કર્યો જ નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ઉપર પણ સહમતી બની છે.હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે.ઈરાન પણ હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાંથી જહાજને પસાર થવા દેશે અને મંજૂરી પણ સરળતાથી આપશે. જહાજને પસાર થતી વખતે અમેરિકા પણ કોઈ વિધ્ન ઊભું નહીં કરે.
અમેરિકાનું ઑપરેશન ખતમ
જો સહમતી બની અને સમજૂતી સફળ રહી તો દુનિયા માટે હોર્મુઝનો રસ્તો ખુલી જશે, એશિયાથી લઈને યુરોપ-અમેરિકાના રાષ્ટ્રને મોટી રાહત થશે. અમેરિકી અધિકારી સ્ટીવ વિકકોફ અને જેરેડ કુશનેરે 14 મુદ્દાની સમજૂતીને લઈ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચી સાથે વાતચીત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ મુદ્દાઓ પર સહમતી બની છે બાકીના 11 મુદ્દાઓ પર મામલો ગંભીર છે. આગામી 30 દિવસમાં બન્ને દેશ આ 11 મુદ્દા પર ફસાયેલા પેચનો નીવડો કાઢીને સહમતી દર્શાવી શકે છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે, ઑપરેશન એપિક ફ્યૂરી ખતમ કરી દેવામાં આવ્યું છે. શાંતિથી આગળના મુદ્દાઓ પર વાતચીત થશે.