Sat Sep 05 2026

Logo

મોજની ખોજઃ ‘પ્રભુ, હું રોજ તારા મંદિરમાં આવું તો તું ક્યારેક મારા ઘરે આવ...’

2026-08-25 10:30:00
Author: Subhash Thaker
મોજની ખોજઃ ‘પ્રભુ, હું રોજ તારા મંદિરમાં આવું તો તું ક્યારેક મારા ઘરે આવ...’

સુભાષ ઠાકર

‘પ્રિય આત્મીય પરમાત્મા, બોલ, શું ચાલે છે? ફાઇન? ફાઇન જ હોયને. તને ક્યાં મોંઘવારી નડે છે. અચ્છા પ્રભુ, સાચું કહેજે મેં તને શ્રાવણના પહેલા દિવસે પૂજારીની મિલકત કીધો એમાં તને કઈ ખોટુંબોટું તો નથી લાગ્યું ને? આ તો શું કે તું જાણે નાનકડો કીકલો હોય એમ તારે ક્યારે ખાવું? શું ખાવું? ક્યારે સૂવું ને ક્યારે જાગવું? શું પહેરવું? 

આ બધું એ નક્કી કરે તો મારી ખસે કે નઈ? તારા પર દયા આવે કે નઈ? સાલુ,એક મંદિરનો ટેમ્પરરી માલિક જગતના કાયમી માલિકને નોકરની જેમ ટ્રીટ કરે તો મને ઑફિશ્યલ ગુસ્સો આવે કે નઈ? અલ્યા પ્રભુ, મૂર્તિમાં છુપાઈને તું નથી બોલતો કે નથી સાંભળતો એટલે આ આખી માનવ જાત તારો (ગેર)લાભ ઉઠાવે છે એ ખબર પડે છે કે નઈ?’

હવે મૂળ વાત કે ‘કાહે બનાયે તુને માટી કે પુતલે, ધરતી યે પ્યારી પ્યારી, મુખડે યે ઉજલે.. કાહેકો દુનિયા બનાઈ, તુને કાહેકો...’ આવા સવાલો આખી માનવ જાત વતી

શૈલેન્દ્રએ ઠેઠ 1966માં એની ફિલ્મ ‘તીસરી કસમ’માં પૂછેલા પછી ખેડૂત વરસાદની રાહ જુવે એમ જવાબની રાહ જોઈ પણ તારો કોઈ રિસ્પૉન્સ જ નઈ. પછી મેં આ શ્રાવણમાં બધા ધાર્મિક ગ્રંથ ને ઈશ્વર. કોમ પર સર્ચ કરી પૂછ્યું, પણ તું ભારત સરકારની જેમ ચુપચાપ સાંભળી રહ્યો. પછી મેં મોબાઇલ જોડ્યો પણ કોઈ ગગી બોલી : ‘આપને જીસકો કૉલ કિયા હૈ વો અભી પહોંચકે બહાર હૈ... પ્લીઝ, ટ્રાય લેટર.’

એટલે આ લેટર લખ્યો. પ્રભુ, મારે એ જાણવું છે કે તું રોજ કેટકેટલા માટીના પૂતળા બનાવી આ પૃથ્વી પર ઠાલવે છે, તો તારી પાસે માટી કેટલી છે? કારણ કે પૃથ્વી પર જાવક કરતાં આવક વધારે છે. તારી પાસે બીબા કેટલા? ડાઈ કેટલી? તારી આંખોમાં કેટલી તસવીરોની કલ્પના? બા..પ..રે તારી મહેનતને ધન્યવાદ. 

સેલ્યુટ પ્રભુ, તને બધા ‘ગૉડ ઇઝ ગ્રેટ’ એમનેમ નથી કહેતા? પણ તેં આ પૂતળાં બનાવ્યાં શા માટે? વાય પ્રભુ વાય? શું પ્રયોજન? પેલો ચંબુ ડફોળ મને કહે કે એને પૂજાવાની ઇચ્છા થઇ એટલે આપણું સર્જન કર્યું. ભાઈ પ્રભુ, આ બદનક્ષીની દુનિયામાં આવી જીવી જાય તો પૂજવાની ક્યાં ના છે. એક વાર પૃથ્વી પર આવ તો ખરો, પણ મેં તારી ફેવર કરી કીધું ‘ચંબુડા, ડફોળ, ખાલી પૂજાવા ખાતર ઈશ્વર કંઈ કુંભાર બની આટલી મહેનત ન કરે. તે કંઈ પપુધધુ કે માણસ નથી. સમજ્યો?’

અને પ્રભુ, તેં જોયું કે તેં આ માટીમાં જીવ મૂક્યો એમાં કેવડી મોટી બબાલ થઈ એનો તને ખ્યાલ છે? તું મને એ સમજાવ કે કોઈના ઘેર શેર માટીની ખોટ હોય છે તો કોઈ જગ્યાએ કિલો કિલોના ઢગલા. આવો ઘોર અન્યાય?. દુખ અને ગુસ્સો બંને એકસાથે આવે ને આ બધો તમાશો તું ઉપર બેઠાં બેઠાં કે મંદિરમાં ઊભાં ઊભાં જોયા કરે છે, પણ તને ખબર છે કે તેં અમને માટીમાંથી ઘડીને અહીં મોકલ્યા. ને અમે અહીં માટીમાંથી તારી મૂર્તિઓ ઘડતા ગયા. પ્રભુ... સાલુ કોણ કોનો સર્જનહાર છે એ જ નથી સમજાતું. તું અમને બનાવ ને અમે તને.... 

પહેલાં ઈંડું આવ્યું કે મરઘી એના જેવું આ ક્ધફ્યુઝન છે. પ્રભુ, અમારી દુનિયામાં શ્રાવણમાં આધ્યાત્મિક ભક્તો તારી ભક્તિ કરવા તૂટી પડે છે. એમ મને પણ ક્યારેક બધાની જેમ અંદરથી તારાં દર્શન કરવાની ખૂજલી ઊપડે છે પણ બોલ્ડ કહું તો સવારે નવ પહેલાં હું મારાં મા-બાપનાં દર્શન કરું છું જે જીવતા ઈશ્વર છે, પણ પછી એમની જ આજ્ઞાથી હું નીકળી પડું છું મંદિરમાં તને શોધવા...

પ્રભુ, મને ક્યારેક થાય કે એકના એક પકવાનો ખાઈ કંટાળી ગયો હોય તો તારા માટે ડુંગળીનાં ભજિયાં કે પંજાબી ડિશનું ટિફિન લઈ આવું, પણ લોચો એ છે કે ઘરેથી મંદિર આવવું સહેલું છે પણ મંદિરથી તારા સુધી પહોંચવું જબરું અઘરું છે. મને તો પ્રભુ, એવું થાય છે કે તને શોધવામાં ઘડપણ આવી જશે ને મૃત્યુ પછી જ આપણી મુલાકાત થશે...? પ્રભુ, મને જણાવ કે અહીં અમે તારા મંદિર બનાવીએ એમ તમારી દુનિયામાં તું અમારા ઘર બનાવે ખરા?

અમે ઘરેથી તારાં દર્શન માટે નીકળીએ તો તમે અમારાં દર્શન માટે ક્યારેક તો મંદિરમાંથી નીકળો. અમે કોઈ દિવસ મોબાઇલમાં તારા વૉટ્સઍપની રાહ નથી જોઈ તો તું કઈ આમંત્રણ પત્રિકાની રાહ જોઈ બેઠો છે. વ્યવહાર તો અરસપરસ હોય ને? અને તું ક્યાં છે એ ખબર નથી, પણ હું ક્યાં છું એની તો તને ખબર છે ને? તો ક્યારેક તો મંદિરમાંથી નીકળી મને મળવા ઘરે આવ. હું રાહ જોવું છું...
શું કહો છો?