સુરતઃ સુરતમાં હોલસેલ ફિશ માર્કેટને મોદીનું નામ અપાતા વિવાદ થયો છે. શાકાહારી અને વડા પ્રધાનના નામ સાથે ફિશ માર્કેટનું નામ જોડવામાં આવતાં હોબાળો મચ્યો છે.
શું છે મામલો
સુરતના નાનપુરા લક્કડકોટ ખાતે રૂ. 3.90 કરોડના ખર્ચે બનેલી હોલસેલ ફિશ માર્કેટનું નામ શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ રાખવામાં આવ્યું છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. ઘણા વેપારીઓએ નામના વિકલ્પ અને બોર્ડ લગાવવા માટે અનુસરવામાં આવેલી પ્રક્રિયા બંને સામે સવાલો ઉઠાવ્યા છે. કેટલાક વેપારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી ફિશ માર્કેટનું નામ રાખવાનો વિરોધ કર્યો છે, જ્યારે સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશને આ નિર્ણયનો બચાવ કર્યો છે.
પીએમ મોદી શુદ્ધ શાકાહારી તરીકે જાણીતા છે: ફિશ માર્કેટના આગેવાનનું નિવેદન
ફિશ માર્કેટના આગેવાન સુરેન્દ્ર લશ્કરીએ નામકરણનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી શુદ્ધ શાકાહારી તરીકે જાણીતા છે અને તેમણે ક્યારેય સી-ફૂડ આરોગ્યું નથી. તેમણે દલીલ કરી હતી કે તેમના નામ પરથી ફિશ માર્કેટનું નામ રાખવું અયોગ્ય છે અને તેનું નામ પરંપરાગત રીતે માછલીના વેપાર સાથે સંકળાયેલા કહાર માછી સમાજ પરથી રાખવું જોઈએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા મનસ્વી રીતે આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને તેમણે તેને તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી.
જોકે, નવસારીવાલાએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે વડા પ્રધાનના પ્રદાનનો ઉલ્લેખ કરીને આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે કેન્દ્રમાં અલગ મત્સ્યોદ્યોગ મંત્રાલયની રચના અને ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ જેવી યોજનાઓનો હવાલો આપતા કહ્યું કે આ યોજનાઓએ માછીમારો અને આ ક્ષેત્રને મોટો ટેકો આપ્યો છે.
નામકરણ પ્રક્રિયા સામે સવાલો
આ વિવાદને પગલે માર્કેટના નામકરણ માટે અનુસરવામાં આવેલી પાલિકાની વહીવટી પ્રક્રિયા સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે. યોગ્ય વહીવટી મંજૂરી મેળવ્યા વિના માત્ર સાઇનબોર્ડ લગાવીને મહાનગરપાલિકાની મિલકતનું નામ બદલી શકાય કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્કેટનું નામ વડા પ્રધાનના નામ પર રાખવા અંગે પાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ ઔપચારિક ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી.
સુરત મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડ લગાવવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં પાલિકાએ હસ્તક્ષેપ કર્યો હતો. નામકરણ અંગે વારંવારના વાંધાઓ છતાં બોર્ડ લગાવવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં અમારી ટીમ તેને હટાવવા માટે સ્થળ પર પહોંચી હતી. જોકે, સ્થાનિક વેપારીઓએ જાતે જ બોર્ડ હટાવી લેવાની ખાતરી આપતાં ટીમ પરત ફરી હતી.