Wed Sep 02 2026

Logo

ધ્રુવ જુરેલે સદી બાદ કોને કર્યું સેલ્યુટ? જય જવાન, જય કિસાન ટેટૂ પાછળની ભાવુક કહાની આવી સામે

Colombo   2026-08-25 09:22:00
Author: Mayur Patel
ધ્રુવ જુરેલે સદી બાદ કોને કર્યું સેલ્યુટ? જય જવાન, જય કિસાન ટેટૂ પાછળની ભાવુક કહાની આવી સામે

 

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. બીજા દિવસે ભારતે 9 વિકેટના નુકસાન પર 503 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી ધ્રુવ જુરેલે 115 રનની અણનમ ઈનિંગ રમી હતી. સદી પૂરી કર્યા બાદ તેના સેલિબ્રેશને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જુરેલે પહેલાં સેલ્યુટ  કર્યું અને પછી પોતાના બાઈસેપ્સ પર બનેલું 'જય જવાન, જય કિસાન'નું ટેટૂ બતાવ્યું હતું.  જુરેલે પોતે જ આ ટેટૂ પાછળની કહાની અને સલામ કોના માટે હતું તેનો ખુલાસો કર્યો હતો.

પિતા સેનામાં હતા, દાદા ખેડૂત... તેથી બતાવ્યું ટેટૂ

ધ્રુવ જુરેલે સદી ફટકાર્યા બાદ સેલિબ્રેશન પિતા અને દાદાને સમર્પિત કર્યું હતું. તેણે જણાવ્યું કે તેના દાદા ખેડૂત હતા, જ્યારે પિતા સેનામાં દેશની સેવા કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે તેના બાઈસેપ્સ પર 'જય જવાન, જય કિસાન' લખેલું છે.

જુરેલે કહ્યું, મારા દાદા ખેડૂત હતા અને મારા પિતા સૈનિક હતા. આ જ મારા મૂળિયાં છે અને હું તેને ક્યારેય ભૂલવા નથી માંગતો. તેથી મારી એ સેલ્યુઅટ મારા પિતા અને દાદા માટે હતી. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ કરિયરની આ તેની બીજી સદી છે. તેની અણનમ 115 રનની ઇનિંગમાં ધીરજ, સૂઝબૂઝ અને પરિસ્થિતિ મુજબની બેટિંગ જોવા મળી હતી.

 

ધ્રુવ જુરેલ 99 રન સુધી ખૂબ જ સરળતાથી પહોંચી ગયો હતો, પરંતુ સદીથી માત્ર એક રન દૂર હતો ત્યારે શ્રીલંકન બોલર્સ અને ફિલ્ડર્સે તેને રોકવા માટે દબાણ બનાવ્યું હતું. જુરેલે તે પળને યાદ કરતાં જણાવ્યું કે, 99 રન સુધી રન સરળતાથી મળી રહ્યા હતા, પરંતુ 99 પર પહોંચતાં જ અસિથા ફર્નાન્ડોએ સચોટ લાઇન-લેન્થ પર બોલિંગ શરૂ કરી અને શ્રીલંકાની ફિલ્ડિંગ પણ ખૂબ ચુસ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ જુરેલે ફર્નાન્ડોના બોલ પર સીધો શોટ રમ્યો. તેને લાગ્યું કે બોલ બોલરની ઉપરથી નીકળી જશે અને ફિલ્ડર પહેલાં ગેપ મળશે. પરંતુ જ્યારે તેણે ફિલ્ડરને ઝડપથી નજીક આવતો જોયો ત્યારે મનમાં વિચાર આવ્યો, 'અરેરે! મેં આ શું કરી નાખ્યું.' આખરે તેણે ઝડપી દોડ લગાવી અને ડાઇવ મારીને પોતાની સદી પૂરી કરી હતી.
 

પંત સાથે 112 રનની ભાગીદારી, દરેક તબક્કે લીધી સલાહ

આ ઇનિંગ દરમિયાન જુરેલે પંત સાથે 112 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ નોંધાવી હતી. બંને વિકેટકીપર-બેટ્સમેન છે, પરંતુ તેમની બેટિંગ શૈલી તદ્દન અલગ છે. પંતે પોતાની આક્રમક શૈલીમાં 63 રન બનાવ્યા, જ્યારે જુરેલે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીને ઇનિંગને આગળ વધારી હતી.

જુરેલે જણાવ્યું કે પંત સાથે બેટિંગ કરવી એ તેના માટે ખાસ અનુભવ રહ્યો. તેણે કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે પંત કેટલો શાનદાર ખેલાડી છે અને તેણે ઑસ્ટ્રેલિયા તેમજ ઇંગ્લેન્ડમાં ભારત માટે શું કર્યું છે. જ્યારે પણ તે બેટિંગ કરી રહ્યો હોય છે, ત્યારે હું તેની સલાહ લઉં છું.  તેની પાસે ઘણો અનુભવ છે. જુરેલે ઉમેર્યું કે તે અલગ-અલગ પરિસ્થિતિઓમાં પંતને પૂછતો રહેતો હતો કે હવે શું કરવું જોઈએ.
 

શું જુરેલ પંતની જેમ રમી શકે?

પંત સાથે બેટિંગ કરતી વખતે શું જુરેલને પણ તેની જેમ આક્રમક શોટ્સ રમવાનું મન થાય છે? આ સવાલ પર જુરેલે સ્પષ્ટ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટની સુંદરતા જ એ છે કે દરેક ખેલાડીની રમવાની શૈલી અલગ હોય છે. તેણે કહ્યું, પંત સાથે રમવું અદ્ભુત અનુભવ છે, પરંતુ હું તેની જેમ રમી શકતો નથી. તે બાળપણથી જે રીતે રમતો આવ્યો છે તે અલગ છે. જુરેલે પોતાના બેટિંગ પ્લાન વિશે જણાવ્યું કે તે કયા બોલર પર આક્રમણ કરવું અને કોનો સ્પેલ સંભાળીને રમવો તે સમજવાનો પ્રયાસ કરે છે. બંને વિકેટકીપર હોવાથી અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા હોવાથી ક્રિઝ પર બંને વચ્ચે ઉત્તમ તાલમેલ જોવા મળ્યો હતો.