થાણે: થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં મંગળવારે સ્કોર્પિયો સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ અથડાતાં ચાર લોકોનાં થયેલા મૃત્યુ પ્રકરણે પોલીસે એસટી બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસે મંગળવારે સવારે 11 વાગ્યે મુરબાડ તાલુકાના ટોકાવડે ખાતે સ્કોર્પિયોને ટક્કર મારી હતી. સ્કોર્પિયોમાં બે બાળકો સહિત આઠ લોકો હાજર હતા અને અકસ્માતમાં સ્કોર્પિયોના માલિક અને ડ્રાઇવર સહિત ચાર જણના ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે અન્ય ચારને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ ટોકાવડે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શીતલકુમાર નાઇકે જણાવ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ એસટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મુરબાડના તહેસીલદાર અભિજિત દેશમુખના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ અવિનાશ રામચંદ્ર કાકડે, અભિષેક મોતે, નીતા ધુરે અને મીના મડકે તરીકે થઇ હોઇ તેઓ અહિલ્યાનગર જિલ્લાના નેવાસાના રહેવાસી હતા.
ઉલ્લેખનીય છે કે એક મહિનામાં મુરબાડ-અહિલ્યાનગર માર્ગ પર આ બીજો મોટો અકસ્માત થયો હતો. અગાઉ 13 એપ્રિલે વેન અને સિમેન્ટ મિક્સર ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોનાં મોત થયાં હતાં. (પીટીઆઇ)