ભુજઃ કચ્છના સમુદ્ર કાંઠેથી કરોડોની કિંમતના કેફી પદાર્થો બિનવારસ હાલતમાં મળી આવવાની શરૂ થયેલી ઘટનાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી એક બિનવારસ પાકિસ્તાની બોટ મળી આવતા સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી ઘૂસણખોરોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ, સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ પાર્ટી કોટેશ્વર નજીક આવેલા પડાલા ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી, ત્યારે આ પાકિસ્તાની બોટ તેમની નજરે પડી હતી. સુરક્ષા જવાનો બોટ સુધી પહોંચે તે પહેલાં જ તેમાં સવાર પાકિસ્તાની ઘૂસણખોરો ક્રિક વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ ઉઠાવી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
જપ્ત કરવામાં આવેલી આ બોટની પ્રાથમિક તલાશી લેતા તેમાંથી હાલમાં કોઈ વિસ્ફોટક કે વાંધાજનક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે. પકડાયેલી બોટને કોટેશ્વર કાંઠે લાવીને તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય સીમામાં પ્રવેશીને કચ્છના અવાવરુ અથવા સંવેદનશીલ વિસ્તારોમાં છુપાયા હોવાની પ્રબળ આશંકાને જોતા, સમગ્ર ક્રિક અને આસપાસના રણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સીમા સુરક્ષા દળ અને અન્ય એજન્સીઓ દ્વારા દરિયાઈ તેમજ જમીની માર્ગે સતત પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)