Thu Aug 27 2026

Logo

કલવામાં હિંસક અથડામણમાં યુવાનની હત્યા: કોર્ટે 10 આરોપીને નિર્દોષ છોડ્યા

2026-05-06 17:56:20
Author: યોગેશ સી પટેલ
કલવામાં હિંસક અથડામણમાં યુવાનની હત્યા: કોર્ટે 10 આરોપીને નિર્દોષ છોડ્યા

થાણે: થાણે જિલ્લાના કલવા ખાતે 2014માં થયેલી હિંસક અથડામણમાં યુવાનની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે મુખ્ય સાક્ષીઓ ફરિયાદ પક્ષના કેસને ટેકો આપવામાં નિષ્ફળ ગયા હોવાની નોંધ કરી બધા 10 આરોપીને નિર્દોષ છોડ્યા હતા. એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે મંગળવારે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ ઉચિત શંકાની પર આરોપો સિદ્ધ કરી શક્યો નથી.
ઘટના થાણે શહેરના કલવા વિસ્તારમાં 16 ડિસેમ્બર, 2014ના રોજ બની હતી. હિંસક અથડામણમાં ભાસ્કર ઉર્ફે શંકર અનંત કદમનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય કેટલાક જખમી થયા હતા.

ફરિયાદ પક્ષ અનુસાર આરોપીઓએ છરી અને ચોપર્સથી કદમ અને અન્યો પર કથિત રીતે હુમલો કર્યો હતો. ખટલા દરમિયાન ફરિયાદ પક્ષે 14 સાક્ષી તપાસ્યા હતા, જેમાં આ કેસની ફરિયાદી એવી મૃતકની પત્નીનો પણ સમાવેશ થાય છે.જોકે કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે આરોપીએ મૃતક પર વારંવાર શસ્ત્રના ઘા કર્યા એવી પ્રારંભિક ફરિયાદના મુદ્દાઓ પછીથી ફરિયાદીએ નકારી કાઢ્યા હતા. ઊલટતપાસમાં ફરિયાદીએ તેના સહી કરેલા દસ્તાવેજોમાં શું લખવામાં આવ્યું હતું તેની જાણ ન હોવાનું કહ્યું હતું. વળી, તેના નિવેદનમાં વિસંગતિઓ પાછળનાં કારણો પણ તે જણાવી શકી નહોતી.

નજરે જોનારા સાક્ષીઓ હુમલાખોરોને ઓળખી શક્યા નહીં અને તેમની પાસે શસ્ત્ર હતાં કે નહીં તે પણ જણાવી શક્યા નહીં. આ કેસમાં જજે દસેદસ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. અન્ય એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થતાં ઑગસ્ટ, 2024ના રોજ તેનું નામ કેસમાંથી દૂર કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)