નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન વચ્ચેનાં ભૂરાજકીય તણાવની અસર હેઠળ વર્ષ 2026ના અંત આસપાસ ડૉલર સામે રૂપિયો જે હાલ 95.20ની સપાટીએ છે તે 95 આસપાસની સપાટીએ રહેશે. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની નફો પરત કરવાની ધીમી ગતિ અને હાજર બજારમાં ડૉલર સામે રૂપિયામાં થતાં ધોવાણને ખાળવા માટેનાં હસ્તક્ષેપ રૂપિયામાં ઘસારાની ગતિ મંદ પાડી શકે છે, એમ ફિચ જૂથની કંપની બીએમઆઈએ એક અહેવાલમાં જણાવ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને કારણે ખાસ કરીને ક્રૂડતેલની આયાત પર નિર્ભર હોય તેવી ભારત જેવી ઊભરતી બજારોનાં ચલણો દબાણ હેઠળ આવ્યા છે. આથી ગત માર્ચ-એપ્રિલ, 2026 દરમિયાન ડૉલર સામે રૂપિયામાં ચાર ટકાનો ઘસારો આવ્યો છે અને હાલ તે 95.20 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
ગત નાણાકીય વર્ષ 2026 (એપ્રિલ, 2025થી માર્ચ, 2026)માં ભારતનો જીડીપી (ગ્રોસ ડૉમૅસ્ટિક પ્રોડક્ટ) 7.6 ટકા આસપાસ અને ફુગાવો 3.4 ટકા આસપાસ રહેવાનો અંદાજ બીએમઆઈ મૂકી રહી છે. ચલણમાં જોવા મળેલા ઘસારાને ધ્યાનમાં લેતા અને રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બજારમાં નોંધપાત્ર હસ્તક્ષેપ કર્યો હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે ભવિષ્યમાં તેજી અને મંદીના પરિબળો સમતુલિત થતાં વર્ષ 2026ના અંત આસપાસ ડૉલર સામે રૂપિયો 95 આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા છે.
વધુમાં બીએમઆઈના અંદાજ અનુસાર વર્તમાન નવાં નાણાકીય વર્ષમાં અમેરિકા-ઈરાન યુદ્ધને પગલે દેશની ચાલુ ખાતાની ખાધ 0.4 પર્સન્ટેજ પૉઈન્ટ વધીને જીડીપીના 1.3 ટકા આસપાસ રહેશે, જે મુખ્યત્વે મોટા પાયે એનર્જી આયાતનિર્ભરતાને આભારી રહેશે. ગત નાણાકીય વર્ષ 2025-26માં થયેલી કુલ આયાત પૈકી એનર્જીની આયાતનો હિસ્સો બાવીસ ટકા હતો તેમાં નાણાકીય વર્ષ 2026-27માં વધારો થશે અને સાથે સાથે રેમિટન્સની આવકો ઘટતાં ખાધમાં પણ વધારો થશે.
વર્ષ 2025માં ભારતનાં રેમિટન્સનાં કુલ આંતરપ્રવાહમાં અખાતી દેશોનો હિસ્સો 38 ટકા અને જીડીપીના એક ટકા જેટલો હતો. જો વિવાદની માઠી અસર અખાતી દેશોમાં કામ કરનારાઓ પર પડે તો ચાલુ ખાતાની ખાધ અંદાજ કરતાં પણ વધી શકે છે, એમ બીએમઆઈએ અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત ઊભરતા અર્થતંત્ર સામેના જોખમોને ધ્યાનમાં લેતાં નાણાકીય વર્ષ 2025-26માં નાણાકીય પોર્ટફોલિયોનો બાહ્યપ્રવાહ પણ રૂપિયા પરનું દબાણ જાળવી રાખશે.
વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ હતી અને ત્યાર બાદ વૈશ્વિક અનિશ્ચિતતામાં વધારો થવાને કારણે ગત માર્ચ મહિનામાં બીએમઆઈનાં સ્થાનિક નીતિવિષયક અનિશ્ચિતતાનો આંક અથવા તો ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ઈન્ડેક્સમાં ઘટાડો દર્શાવે છે કે ઊભરતી બજારોના ચલણો દબાણ હેઠળ રહશે.
નીતિવિષયક અનિશ્ચિતતા મુખ્યત્વે ઈરાન સાથેના યુદ્ધ અને ટેરિફને કારણે સર્જાઈ હતી. અમારું માનવું છે કે આગામી દેશમાં પોર્ટફોલિયોમાં આંતરપ્રવાહ દબાણ હેઠળ જ રહેશે. તાજેતરનાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સપોર્ટની આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચ મહિનામાં મૂડીગત્ બાહ્યપ્રવાહ રહ્યો હતો જે કોવિડ મહામારી પછીનો સૌથી મોટી માત્રાનો બાહ્યપ્રવાહ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લાં 12 મહિનામાં ભારતીય ચલણ રૂપિયામાં 10 ટકાનું ધોવાણ થઈ ગયું છે. અગાઉ વર્ષ 2022માં (જાન્યુઆરીથી ડિસેમ્બર, 2022 દરમિયાન) આ પ્રકારનું ધોવાણ થયું હતું, જ્યારે વ્યાજ દરના તફાવતો અમેરિકી ડૉલરની તરફેણમાં નોંધપાત્ર રીતે બદલાયા હતા. ત્યાર બાદ રિઝર્વ બૅન્કે રૂપિયાના ધોવાણને અંકુશમાં રાખવા માટે આક્રમક હસ્તક્ષેપ કર્યો હતો અને આ હસ્તક્ષેપને કારણે વિદેશી હૂંડિયામણની અનામતમાં 13 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.