Sun May 31 2026

Logo

આજે IPLમાં RCB અને GT વચ્ચે જંગ, 'કિંગ' કોહલી અને 'પ્રિન્સ' ગિલમાં અમદાવાદમાં કોણ મારશે બાજી?

2026-05-31 08:30:00
Author: Mumbai Samachar Team
Article Image

IPL FINAL 2026: 31 મે (રવિવાર) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026ની ફાઇનલ મેચ રમાવાની છે.

આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી આ બંને ટીમો હવે ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આરસીબી (RCB) એ ક્વોલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સીધા જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. તે મેચમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 33 બોલમાં 93 રન બનાવ્યા હતા. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે.

શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ગિલની આ ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. આરસીબી (RCB) એ 5મી વખત IPL ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ IPLમાં ત્રીજી વખત ફાઇનલ રમશે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં જ આરસીબીએ 2025માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી. બીજી તરફ, 2022માં ગુજરાત ટાઇટન્સે પોતાની પહેલી જ IPL સીઝનમાં ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. આ IPL સીઝનમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ (ઘર આંગણે) પર રમેલી 7માંથી 5 મેચ જીતી છે. આવામાં આરસીબી માટે ફાઇનલનો પડકાર બિલકુલ સરળ નહીં હોય.

વિરાટ કોહલી માટે આ IPL સીઝન પણ દમદાર રહી છે. આ IPL સીઝનમાં વિરાટે 15 મેચમાં 164.38ના સ્ટ્રાઇક રેટથી 600 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. બીજી તરફ આરસીબી (RCB) ની બોલિંગની વાત કરીએ તો, ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર કુમારે આ IPL સીઝનની 15 મેચોમાં 26 વિકેટ ઝડપી છે.

ગુજરાત ટાઇટન્સના બંને ઓપનિંગ બેટ્સમેન ખૂબ જ સારા ફોર્મમાં છે. શુભમન ગિલે આ IPL સીઝનની 15 મેચોમાં 163.71ના સ્ટ્રાઇક રેટથી 722 રન બનાવ્યા છે, જ્યારે સાઇ સુદર્શને આ IPL સીઝનની 16 મેચોમાં 159.55ના સ્ટ્રાઇક રેટથી 710 રન કર્યા છે. ગુજરાતની બોલિંગની વાત કરીએ તો, કગિસો રબાડાએ 16 મેચમાં 28 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. આ IPL સીઝનમાં બંને ટીમો 2 વખત સામસામે ટકરાઈ હતી અને બંને વખત આરસીબીએ જ બાજી મારી હતી.