નવી દિલ્હીઃ જો તમે અથવા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર (બીપી), હૃદયની બીમારી કે હાડકાની નબળાઈથી પીડાતું હોય, તો આ સમાચાર તમારા કામના છે. સરકારે એવી 30 જરૂરી દવાઓની મહત્તમ કિંમત (મેક્સિમમ પ્રાઇસ) નક્કી કરી દીધી છે, જે રોજ અથવા લાંબા સમય સુધી લેવી પડે છે. આનો અર્થ એ છે કે હવે કોઈ પણ દવા વિક્રેતા (મેડિકલ સ્ટોર સંચાલક) આ દવાઓ પર નક્કી કરેલી MRP કરતાં એક રૂપિયો પણ વધુ લઈ શકશે નહીં. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે NPPA દ્વારા 27 મે 2026ના રોજ આ અંગેનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
વિટામિન D3 અને કેલ્શિયમવાળી દવાઓની કિંમત થઇ ફિક્સ
NPPA તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન (જાહેરનામા) મુજબ, જે દવાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેમાં વિટામિન ડી3 ઓરલ સોલ્યુશન (Vitamin D3 Oral Solution), કેલ્શિયમ, વિટામિન ડી3, મિથાઈલકોબાલામીન (Methylcobalamin), એલ-મિથાઈલફોલેટ કેલ્શિયમ (L-Methylfolate Calcium), પાયરીડોક્સલ-5 ફોસ્ફેટ (Pyridoxal-5 Phosphate) સહિત કેટલાય મહત્વના દવા ફોર્મ્યુલેશન સામેલ છે. આ દવાઓ વિટામિનની ઉણપ, હાડકાની મજબૂતી અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય બીમારીઓની સારવારમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
લિસ્ટમાં દરેક દવા સાથે લખી છે નવી રિટેલ કિંમત
NPPAની આ યાદીમાં એલ્જિનેટ રાફ્ટ-ફોર્મિંગ ઓરલ સસ્પેન્શન, બિલાસ્ટિન-મોન્ટેલુકાસ્ટ ટેબ્લેટ, બિસોપ્રોલોલ ફ્યુમરેટ, એટોરવાસ્ટેટિન-ફેનોફાઇબ્રેટ ટેબ્લેટ (Atorvastatin-Fenofibrate tablet) અને એમ્લોડિપિન ટેબ્લેટ (Amlodipine tablet) જેવી દવાઓ પણ સામેલ છે. સત્તાવાર દસ્તાવેજમાં દરેક દવાના યુનિટ (નંગ અથવા પેકિંગ) દીઠ નવી રીટેલ કિંમત પણ દર્શાવવામાં આવી છે. હવે બજારમાં આ દવાઓ માત્ર આ જ નક્કી કરેલા ભાવો પર વેચી શકાશે.
એટોરવાસ્ટેટિન એન્ડ ફેનોફાઇબ્રેટ ટેબ્લેટની કિંમત 18.46 રૂપિયા
આ યાદીમાં સામેલ એક મુખ્ય દવા વિટામિન D3, કેલ્શિયમ, મિથાઈલકોબાલામીન, પાયરીડોક્સલ-5 ફોસ્ફેટ અને એલ-મિથાઈલફોલેટ કેલ્શિયમ યુક્ત ટેબ્લેટ છે, જેની પ્રતિ ટેબ્લેટ (એક ગોળીની) રીટેલ કિંમત 19.78 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, એટોરવાસ્ટેટિન એન્ડ ફેનોફાઇબ્રેટ ટેબ્લેટની કિંમત પ્રતિ ટેબ્લેટ 18.46 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
જરૂરી દવાઓના વાજબી ભાવ નક્કી કરવા માટે લેવાયો નિર્ણય
NPPAના જણાવ્યા અનુસાર, દવાઓની કિંમતોનું નિયમન (રેગ્યુલેશન) ગ્રાહકોને વાજબી ભાવે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા અને બજારમાં કિંમતોની પારદર્શિતા જાળવી રાખવા માટે કરવામાં આવે છે. નવા ભાવો NPPAનું નોટિફિકેશન બહાર પડવાની સાથે જ લાગુ થઈ ગયા છે. સંબંધિત મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદક) અને માર્કેટિંગ કંપનીઓએ આ નક્કી કરેલા દરોનું જ પાલન કરવું પડશે. આ નિર્ણયથી દર્દીઓને જરૂરી દવાઓના ભાવ બાબતે મોટી રાહત મળવાની આશા રાખવામાં આવી રહી છે.