Sun May 31 2026

Logo

ચેમ્પિયન્સ લીગમાં પીએસજી ચેમ્પિયન: આર્સેનલ અઠવાડિયામાં બે મોટા ટાઈટલ જીતવાની સિદ્ધિથી વંચિત

Budapest   2026-05-31 12:01:00
Author: Ajay Motiwala
Article Image

બુડાપેસ્ટ (હંગેરી): ફ્રાન્સની પૅરિસ સેન્ટ-જર્મેઈન (પીએસજી) ટીમ શનિવારે મોડી રાત્રે સતત બીજી સીઝનમાં યુઇફા (UEFA) ચેમ્પિયન્સ લીગ (CL)નું ટાઈટલ જીતવામાં સફળ થઈ હતી, જયારે ઇંગ્લૅન્ડની આર્સેનલ ક્લબની ટીમ અઠવાડિયામાં લાગલગાટ બીજું મોટું ટાઈટલ જીતવામાં નિષ્ફ્ળ રહી હતી.

આર્સેનલે હજી સાત દિવસ પહેલાં પ્રીમિયર લીગનું ટાઈટલ જીતી લીધું હતું. એને પહેલી જ વખત ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બનવાની સુવર્ણ તક હતી, પણ પીએસજીએ એનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું.

લુઇસ એન્રીકના કોચિંગમાં અને માર્કિનૉસની કેપ્ટન્સીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પીએસજીએ શનિવારે આર્સેનલ સામેની ફાઈનલ મૅચ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીતી લીધી હતી.

બન્ને ટીમના ખેલાડીઓ રસાકસીભરી આ મૅચમાં રોમાંચક મુકાબલાની પૂરી તૈયારી સાથે મેદાન પર ઉતર્યા હતા. મુખ્ય મૅચમાં છેક સુધી બન્ને ટીમ 1-1ની બરાબરીમાં રહી હતી.

હેવર્ટઝે (HAVERTZ) છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને આર્સેનલને 1-0થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ ડેમ્બેલેના 65મી મિનિટના પેનલ્ટી મારફતના ગોલથી પીએસજી 1-1ની બરાબરીમાં આવી ગઈ હતી. સ્ટોપેજ ટાઈમ સહિત 100-પ્લસ મિનિટની રમતમાં બેઉ ટીમ 1-1ની બરાબરીમાં રહેતાં પરિણામ લાવવા પેનલ્ટી શૂટઆઉટનો વિકલ્પ અપનાવાયો હતો. એમાં પીએસજીએ રામોસ, ડોઉ, હકિમી અને બેરાલ્ડોના સફળ ગોલથી 4-3થી જવલંત વિજય મેળવ્યો હતો.