Wed Sep 16 2026

Logo

‘રમશે બાળક, ખીલશે બાળક’, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો

2026-05-31 12:49:00
Author: Vimal Prajapati
‘રમશે બાળક, ખીલશે બાળક’, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડાં અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને  તથા પરિવાર ભાવના ને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળકના સર્વાંગી વિકાસમાં રમત-ગમત અને રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમાજના સક્ષમ પરિવારોના બાળકો દ્વારા ઉપયોગમાં લેવાયેલા અને હાલ ઉપયોગમાં ન હોય તેવા રમકડાં જરૂરિયાતમંદ બાળકોને અર્પણ કરવાની આ પહેલ માત્ર દાનનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીમાં સંવેદના, સહાનુભૂતિ અને વહેંચણીના સંસ્કારોનું સિંચન કરતું અભિયાન છે.

બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અનોખો પ્રયોગ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડાં દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ રમકડાંના દાનથી બાળકોમાં સંવેદના અને વહેંચણીના સંસ્કારો વિકસે છે તેવું પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણીઓ વિનોદભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.