પુણે/પુરંદરઃ અહીંના એક પરિવારમાં લગ્ન હોવાથી આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું. બધા ખુશીથી સમારોહમાં ભાગ લઈ વરકન્યાને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. જોકે, ભોજનસમારંભ પછી મહેમાનોને અચાનક ઝાડાઉલટી શરુ થતા આનંદ ચિંતામાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના પુરંદર તાલુકાના સુપે પાનવાડીમાં બની હતી. ત્રીજી મેના આયોજિત લગ્નમાં 62 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની માહિતી મળી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર લગ્ન સમારોહ દરમિયાન પીરસવામાં આવેલી રબડી અને ગુલાબ જામુન જેવી મીઠાઈઓને કારણે ફુડ પોઇઝનિંગ થયું હોવાની શંકા છે. ભોજન પછી થોડા સમય પછી લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા.
ઘટનાની માહિતી મળતા જ પરિંચે, બેલસર અને ગરાડેની આરોગ્ય ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગરાડે સબ-સેન્ટરમાં લગભગ 31 દર્દીને આઈવી દ્વારા સારવાર આપવામાં આવી હતી. ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓને સાસવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કુલ 62 અસરગ્રસ્તોમાંથી 38 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના 24 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે, એમ આરોગ્ય અધિકારી ડૉ. વિક્રમ કાલેએ માહિતી આપી હતી.
આરોગ્ય વિભાગે સોમરડી અને સુપે ગામોમાં ઘરે ઘરે જઈને સર્વે કર્યો છે અને ઝેરનું ચોક્કસ કારણ જાણવા માટે ખોરાકના નમૂના પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. હાલમાં આ કેસમાં કેટરિંગ વ્યવસ્થા અને આયોજકોની તપાસ ચાલી રહી છે.