Wed Sep 02 2026

Logo

પુણેમાં નવ વર્ષની પૌત્રીનો વિનયભંગ કરવા બદલ દાદાની ધરપકડ

2026-05-06 18:05:00
Author: Yogesh D. Patel
પુણેમાં નવ વર્ષની પૌત્રીનો વિનયભંગ કરવા બદલ દાદાની ધરપકડ

ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો: રસ્તા પર ઊતરી આવીને કર્યું વિરોધ પ્રદર્શન

પુણે: પુણેમાં દાદા અને પૌત્રીના સંબંધને કલંકિત કરતી ઘટના મંગળવારે રાતે બની હતી. અહીંના પર્વતી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં નવ વર્ષની પૌત્રીનો વિનયભંગ કરવા પ્રકરણે 70 વર્ષના દાદાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે વાતાવરણ તંગ બનતાં આખા વિસ્તારમાં પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આરોપી દારૂના નશામાં હતો અને પોતાની પૌત્રીને ફોસલાવીને તે રૂમમાં લઇ ગયો હતો, જ્યાં તેનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કરાયો હતો.

બાળકીએ ચીસો પાડતાં પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે દરવાજો તોડીને બાળકીને બચાવી લીધી હતી. રહેવાસીઓએ ત્યાર બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાદમાં પોલીસને તેની જાણ કરવામાં આવી હતી.

સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે આરોપીને તાબામાં લીધો હતો. 

દરમિયાન બાળકીને તબીબી તપાસ માટે સસૂન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે કોઇ જાતીય સતામણી થઇ નથી. બાળકીને દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી અને બાદમાં તેને ડિસ્ચાર્જ અપાયો હતો. તેની તબિયત હાલ સ્થિર છે.

આ ઘટના બાદ એ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યાંના રહેવાસીઓ તથા અન્યો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે વધારાનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(પીટીઆઇ)