હાલમાં ચાલી રહેલાં મેટ ગાલા 2026માં દુનિયાભરની નામી હસતીઓ પોતાની ફેશનસેન્સથી રેડ કાર્પેટ પર જાદુ ચલાવી રહી છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝના મેટ ગાલા 2026 લૂકના ફોટો અને વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે એક ઈન્ડિયન સેલિબ્રિટીના લૂકે સૌનું ધ્યાન વધારે ખેંચ્યું છે. આ સેલિબ્રિટી બીજું કોઈ નહીં પણ જાણીતા ભારતીય ઉદ્યોગપતિ દિગ્ગજ કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલા છે. અનન્યાએ પોતાના હટકે અને થોડા વિચિત્ર કહી શકાય એવા લૂકથી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. આવો જોઈએ શું છે ખાસ અનન્યાના લૂકમાં કે નેટિઝન્સ તેની ચર્ચા કરી રહ્યા છે...
મે 2026માં ન્યૂયોર્ક ખાતે યોજાઈ રહેલાં પ્રતિષ્ઠિત મેટ ગાલા 2026ના રેડ કાર્પેટ પર ભારતીય બિઝનેસ જગતના દિગ્ગજ કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલાએ ભવ્ય ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર 22 વર્ષની નાની ઉંમરે બિઝનેસની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર અનન્યાએ ફેશનના આ સૌથી મોટા મંચ પર પણ પોતાની અનોખી સ્ટાઈલનો જાદુ વિખેર્યો હતો.
મેટ ગાલા ઈવેન્ટની આ વર્ષની થીમ "ફેશન એઝ આર્ટ" રાખવામાં આવી હતી, જેને અનુરૂપ અનન્યાએ પ્રખ્યાત ડિઝાઇનર રોબર્ટ વુઓંગ દ્વારા તૈયાર કરવામાં આવેલો અત્યંત આકર્ષક બ્લેક ડ્રેસ પહેર્યો હતો. પરંતુ સૌથી વધુ ચર્ચા અનન્યા ડ્રેસ કરતાં તેણે પહેરેલા મેટાલિક માસ્કની થઈ રહી રહી છે.
અનન્યાએ પહેરેલો મેટાલિક માસ્ક તેના લૂકને એક કલાત્મક અને રહસ્યમય ઓપ આપ્યો હતો, અને આ જ કારણે તેનો આ લૂક સોશિયલ મીડિયા પર અત્યંત વાઈરલ થયો હતો. આ મેટાલિક માસ્ક ભારતીય રસોડામાં વપરાતા ચમચી, વાટકા, ચમચાં અને ઝારામાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. તમે અનન્યાના આ વાઈરલ ફોટો અને વીડિયોઝ ના જોયા હોય તો અત્યારે જ અહીં જોઈ લો...

વાત કરીએ અનન્યા બિરલાના ટેલેન્ટની તો તે માત્ર ફેશન કે બિઝનેસ પૂરતી મર્યાદિત નથી, તે એક સફળ સિંગર હોવાની સાથે સોશિયલ વર્કર અને મેન્ટલ હેલ્થ એડવોકેટ તરીકે પણ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. રસપ્રદ વાત એ છે કે આદિત્ય બિરલા ગ્રુપે તાજેતરમાં જ આઈપીએલની લોકપ્રિય ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ' (RCB)ને ખરીદી છે, જેમાં અનન્યા અને તેનો ભાઈ ટીમમાં માલિકી હક્ક ધરાવે છે, જે તેમની વધતી જતી પ્રોફેશનલ રીચનો પુરાવો છે.

મુંબઈમાં જન્મેલી અને માત્ર 17 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કંપની શરૂ કરનાર અનન્યાની અંદાજિત નેટવર્થ 1700 કરોડ રૂપિયા છે. આમ, મેટ ગાલાના રેડ કાર્પેટ પર તેનું ડેબ્યૂ માત્ર ફેશન સ્ટેટમેન્ટ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર એક યુવાન અને સફળ ભારતીય બિઝનેસવુમનની શક્તિશાળી હાજરી સમાન હતું.