Tue May 12 2026

Logo

કૈલાશ માનસરોવર યાત્રાના ખર્ચમાં 20 ટકાનો વધારો થયો

2026-05-06 22:35:54
Author: Chandrakant Kanoja
Article Image

કૈલાશ માનસરોવર યાત્રાના શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની માહિતી આવી છે. જેમાં આ વખતે કૈલાશ માનસરોવર યાત્રાના ખર્ચમાં વધારો થયો છે. જેમાં ઉત્તરાખંડના પિથોરાગઢથી શરૂ થતી યાત્રાના પ્રતિ શ્રદ્ધાળુઓનો ખર્ચ ગત વર્ષે રૂપિયા 1.74 લાખ હતો જે આ વર્ષે 20 ટકા વધારા સાથે  રૂપિયા 2.09 લાખ થયો છે.  

તિબેટમાં ફી ડોલરમાં વસૂલવામાં આવે છે

આ અંગે મળતી માહિતી મુજબ આ વધારો અમેરિકન ડોલરના અવમૂલ્યનના લીધે થયો છે. કારણ કે, તિબેટમાં વિદેશ મંત્રાલય દ્વારા ફી ડોલરમાં વસૂલવામાં આવે છે. જેમાં  વિઝા ફી, મેડિકલ તપાસ અને અન્ય આવશ્યક ખર્ચ જેવા ખર્ચને આવરી લે છે. આ ઉપરાંત મોંધવારીના લીધે યાત્રાળુઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓના  ભારતીય વિસ્તારમાં દરોમાં પણ વધારો  કરવામાં આવ્યો છે.

ભારતીય વિસ્તારમાં પ્રતિ શ્રદ્ધાળુ ફી હવે રૂપિયા 65,000 

ઉત્તરાખંડના કુમાઉં મંડળ વિકાસ નિગમે ભારતીય વિસ્તારમાં યાત્રાળુઓને રહેવા, ભોજન અને માર્ગદર્શક સેવાઓ પૂરી પાડે છે. આ વખતે નિગમે તેની ફીમાં પણ આશરે  રૂપિયા 8,000 નો વધારો કર્યો છે. તેથી  ભારતીય વિસ્તારમાં પ્રતિ શ્રદ્ધાળુ ફી હવે  રૂપિયા 65,000 નક્કી કરવામાં આવી છે. નિગમના જનરલ મેનેજર વિજય નાથ શુક્લાએ પુષ્ટિ આપી છે કે નવા દરોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને યાત્રા માટે નોંધણી પણ શરૂ થઈ ગઈ છે.

કૈલાશ માનસરોવર યાત્રા 4 જુલાઈથી શરૂ

આ વર્ષે  કૈલાશ માનસરોવર યાત્રા 4 જુલાઈથી શરૂ થવાની છે.  આ વખતે પણ કુલ 10 બેચ રવાના કરવામાં આવશે, જેમાં દરેક બેચમાં 50 યાત્રાળુઓનો સમાવેશ થશે. નોંધનીય છે કે વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ આ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ 1981માં ફરી શરૂ કરવામાં આવી હતી. કોવિડ-19 રોગચાળાને કારણે યાત્રામાં પણ વિક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જોકે,આ યાત્રાને 2025માં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. 

યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન 

ઉલ્લેખનીય છે કે, 2026ની કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં લિપુલેખ અને નાથુ લા માર્ગે 1,000 શ્રદ્ધાળુઓ જઈ શકશે. આ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન છે અને સત્તાવાર  વેબસાઇટ પરથી  19 મે 2026 સુધી અરજી કરી શકાય છે. આ યાત્રા અત્યંત દુર્ગમ છે અને આ યાત્રાના આયોજન માટે કુમાઉ મંડલ વિકાસ નિગમ (KMVN) અને વિદેશ મંત્રાલય દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.