Sun Sep 06 2026

Logo

કચ્છના દરિયાકાંઠે ફરી ડ્રગ્સ મળ્યું: કુંડી બેટ પરથી ચરસના ૧૦ પેકેટ ઝડપાયા

2026-05-07 12:38:00
Author: Mumbai Samachar Team
કચ્છના દરિયાકાંઠે ફરી ડ્રગ્સ મળ્યું: કુંડી બેટ પરથી  ચરસના ૧૦ પેકેટ ઝડપાયા

ભુજઃ કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં નશીલા પદાર્થોનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો જારી રહેવા પામ્યો હોય તેમ નારાયણ સરોવર નજીક આવેલા દુર્ગમ કુંડી બેટ પરથી સીમા સુરક્ષા દળના જવાનોને સામેપારથી તણાઈ આવેલા ચરસના ૧૦ જેટલા પેકેટ મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, બીએસએફની ટુકડી જ્યારે દરિયાઈ સીમા પર નિયમિત પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને કુંડી બેટ વિસ્તારમાં શંકાસ્પદ પેકેટો જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટો અફઘાની ચરસના હોવાનું ખૂલ્યું હતું. બીએસએફ દ્વારા તમામ ૧૦ પેકેટો કબજે કરી કાયદેસરની કાર્યવાહી માટે નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા અને ઓખાના દરિયાકાંઠે પણ આ પ્રકારે ચરસના છૂટાછવાયા પેકેટો મળી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. દરિયામાં ફેંકી દેવાયેલો નશીલા પદાર્થોનો આ જથ્થો મોજાંના વેગ સાથે કિનારે તણાઈ રહ્યો હોવાનું અનુમાન છે.

હાલ કચ્છ-સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવી દીધું છે. 
 
(ઉત્સવ વૈદ્ય)