Fri Jun 19 2026

Logo

બેસ્ટ કર્મચારીની ગુરુવાર મધરાતથી હડતાલ ની ધમકી: બેસ્ટ પ્રશાસનનું મેસ્મા શસ્ત્ર

2026-06-18 22:35:34
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)  કર્મચારીઓ ગુરુવાર મોડી રાતના ૧૨ વાગ્યાથી હડતાળ પર ઊતરી જવાની ચીમકી સામે બેસ્ટ પ્રશાસને તેમની સામે મેસ્મા લાગૂ કરવાની ચેતવણી આપી હતી. બેસ્ટ ઉપક્રમના ૧૨ વર્તમાન અને ભૂતપૂર્વ કામદાર સંગઠનોએ ભેગા મળીને બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિની સ્થાપના કરી છે. સમિતિએ કામદારોની વિવિધ પડતર માંગણીઓ માટે સરકાર અને વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી હતી.

જોકે કોઈ ઉકેલ નહીં આવતાં ગુરુવારે ૧૮ જૂનના બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેસ્ટના કામદારોની માંગણીઓનો કોઈ ઉકેલ ન લાવ્યો હોવાથી, ગુરુવારે મધ્યરાત્રિ ૧૨.૦૦ વાગ્યાથી હડતાળ પર ઊતરી જવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો. બેસ્ટ સમિતિના સભ્ય અને શિવસેના (ઉદ્ધવ) જૂથના નેતા નીતિન નંદગાંવકર દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.

દરમ્યાન આ હડતાળને કારણે, મુંબઈગરાને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે કારણકે બેસ્ટની બસોને મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણવામાં આવે છે. બીજી તરફ, આ હડતાળની પૃષ્ઠભૂમિમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને બેસ્ટ વહીવટીતંત્રે આવશ્યક સેવા અધિનિયમ (મેસ્મા) લાગુ કર્યો છે. દરમ્યાન ઔદ્યોગિક કોર્ટે બેસ્ટ કર્મચારીઓની હડતાળ અંગે ઔદ્યોગિક કોર્ટમાં બેસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર વચગાળાનો સ્ટે આપવાનો આદેશ આપ્યો છે.

ઔદ્યોગિક કોર્ટે બેસ્ટ પ્રશાસનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તે મુજબ, બેસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ નંબર ૧૯૦/૨૦૨૬ ના કેસમાં, ’બેસ્ટ વર્કર્સ જોઈન્ટ એક્શન કમિટી’ હેઠળ વિવિધ સંગઠનો દ્વારા રજૂ કરાયેલા બેસ્ટ એન્ટરપ્રાઈઝના કર્મચારીઓ તેમજ વેટ લીઝ ઓપરેટરના કર્મચારીઓને ૧૮ જૂન, ૨૦૨૬ ની મધરાતથી હડતાળ પર જવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટના આ આદેશને કારણે, સંબંધિત કર્મચારીઓ અને સંગઠનો આગામી સુનાવણી સુધી હડતાળનું એલાન કરી શકશે નહીં.

બેસ્ટ વહીવટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી કરતી વખતે કોર્ટે આ વચગાળાનો આદેશ જારી કર્યો છે. પરંતુ બીજી તરફ, કર્મચારીઓ હડતાળ પર અડગ છે. બેસ્ટ પ્રશાસનને  કહ્યું હતું કે  મેસ્મા લાગુ કરવાને કારણે  હડતાળમાં ભાગ લેનારા અથવા રજા લેનારા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એ છતાં  ગુરુવાર મધરાતના ૧૨ વાગ્યાથી બેસ્ટ ખાતે બેસ્ટ સેવા, પરિવહન અને વીજ પુરવઠાના કામદારો હડતાળ પર ઉતરી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.