Thu May 07 2026

Logo

સુરતની બેંકમાં 52 લાખના લૂંટનું કાવતરું બિહારની જેલમાં ઘડાયેલું, કેમ 27 એપ્રિલનો દિવસ પસંદ કરાયો ?

2026-05-07 09:18:00
Author: Mayur Kumar Patel
Article Image

સુરતઃ શહેરના વરાછામાં આવેલી SBI બેંકમાં રૂપિયા 52 લાખની લૂંટથી હડકંપ મચ્યો હતો. પોલીસે ગણતરીના જ દિવસોમાં બે આરોપીને યુપીથી ઝડપી લીધા હતા. જે બાદ તેમને સુરત લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. બેંક લૂંટનું કાવતરું બિહારની જેલમાં ઘડાયું હતું અને 27 એપ્રિલનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.

કેમ 27 એપ્રિલનો દિવસ પસંદ કરાયો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટની આ સમગ્ર યોજના બિહારની બેઉર સેન્ટ્રલ જેલમાં બંધ કુખ્યાત ગુનેગાર કુંદન ભગત દ્વારા ઘડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકી અત્યંત પ્રોફેશનલ રીતે કામ કરતી હતી. આરોપીઓ બે મહિનાથી સુરતમાં ભાડે રહેતા હતા અને લૂંટને અંજામ આપતા પહેલા તેમણે 10 થી વધુ બેંકોની રેકી  કરી હતી. તેઓએ મધ્ય પ્રદેશના બનાવટી આધાર કાર્ડ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ટોળકીના સભ્યો એકબીજાના અસલી નામ પણ જાણતા નહોતા. ધરપકડની સ્થિતિમાં પોતાની ઓળખ છુપાવવા માટે દરેક આરોપીને ચારથી પાંચ ઉપનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે કહ્યું, ટોળકીએ જાણી જોઈને 27 એવપ્રિલની પસંદગી કરી હતી. 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યનું મતદાન હતું અને 28 એપ્રિલે મતગણતરી હોવાથી તેમને લાગ્યું કે પોલીસ બંદોબસ્ત ઓછો હશે. મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક ઓછો હોવાથી તેમને ભાગવામાં સરળતા રહે તેમ હતી.

હાઈટેક મોડસ ઓપરેન્ડી

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ એક આંતરરાજ્ય ગેંગ છે. જેલની અંદર સંપર્કમાં આવેલા ગુનેગારોને આ ઓપરેશન માટે અહીં મોકલવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના નકલી આઈડી કાર્ડમાં માત્ર ફોટા જ સાચા હતા, જ્યારે બાકીની તમામ વિગતો ખોટી હતી. 
આરોપીઓ લૂંટની 45 મિનિટ પહેલા ગ્રાહક બનીને બેંકમાં પ્રવેશ્યા હતા. તેમણે બેંક કર્મચારીઓના ફોટા પાડ્યા અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. શંકા ન જાય તે માટે તેઓ સ્વીચ ઓફ ફોન પર વાત કરવાનો ડોળ કરતા રેકી કરતા હતા.

કર્મચારીની સતર્કતાથી 2 કરોડનું સોનું બચ્યું

ગેંગનો ઈરાદો 2 થી 3 કરોડ રૂપિયા લૂંટવાનો હતો અને તેઓ પાંચ મોટી બેગ લઈને આવ્યા હતા. જોકે, એક બેંક કર્મચારીની સમયસૂચકતાને કારણે મોટું નુકસાન અટક્યું હતું. કર્મચારીએ લૂંટારુઓને કહ્યું કે લોકરની ચાવી મેનેજર પાસે છે અને તેઓ અત્યારે હાજર નથી. જેના કારણે તિજોરીમાં રાખેલું અંદાજે 2 કરોડનું સોનું સુરક્ષિત રહ્યું હતું.

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શુભમ ઠાકુર અને વિકાસ સિંહ રાજપૂત તરીકે કરી હતી. તેમની પાસેથી અત્યાર સુધી માત્ર 93,000 રૂપિયા રિકવર થયા છે. મુખ્ય સૂત્રધાર કુંદન ભગત પટના જેલમાંથી એક સ્પેશિયલ એપ્લિકેશન દ્વારા સૂચનાઓ આપતો હતો. સુરત પોલીસે તેને ટ્રાન્સઝિટ રિમાન્ડ પર લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં, પાંચ ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.