અમદાવાદઃ રાજ્યમાં હાલ હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં એક ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં રાજ્યના સરકારી કર્મચારીઓમાંથી અમદાવાદ, વડોદરાના કર્મચારીઓ હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં અગ્રેસર રહ્યા હતા.
કેટલા સરકારી કર્મચારીઓ દંડાયા
1 થી 4 મે દરમિયાન અમદાવાદમાં 183 સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર પકડાયા હતા. તેની સરખામીએ આ સમયગાળા દરમિયાન 8345 ટુ વ્હીલ ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરમાં હેલ્મેટ નિયમના ભંગ બદલ રૂ. 41.96 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રાજ્યમાં ચાર દિવસની ડ્રાઈવ દરમિયાન 1237 સરકારી કર્મચારીઓ અને 27,176 ખાનગી વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ દંડની રકમ રૂ. 77 લાખ સુધી પહોંચી હતી.
ઝુંબેશ ચાલુ રહેશે
સૂત્રોએ જણાવ્યું કે આ અભિયાનનો હેતુ કાયદાથી ઉપર કોઈ નથી તેવો સંદેશ આપવાનો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, સરકારી અધિકારીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. હેલ્મેટ પહેરવું બોજ નથી પરંતુ અકસ્માતના કિસ્સામાં જીવન બચાવવાનું સાધન છે. આવી ઝુંબેશ ચાલુ રહેશે અને સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.
શું કહે છે નિષ્ણાત
ટ્રાફિક નિષ્ણાતના મતે ગુજરાત હજુ પણ હેલ્મેટના કડક અમલીકરણમાં અન્ય રાજ્યો કરતા પાછળ છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં હેલ્મેટના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે, ત્યાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત છે. ગુજરાતમાં હેલ્મેટ જીવનરક્ષક સાબિત થયા હોવા છતાં, વાહનચાલકો હજુ પણ તેને ગંભીરતાથી લેતા નથી.