Wed Sep 09 2026

Logo

YouTubeના 'સુલતાન' બન્યા PM નરેન્દ્ર મોદી, ૩ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે સૌથી આગળ, જાણો ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં છે આ રેસમાં...

2026-03-05 18:22:20
Author: Darshana Visaria
YouTubeના 'સુલતાન' બન્યા PM નરેન્દ્ર મોદી, ૩ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે સૌથી આગળ, જાણો ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં છે આ રેસમાં...

ડિજિટલ ઈન્ડિયાના પ્રણેતા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિયલ લાઈફમાં તો અવનવી સિદ્ધિઓ પોતાના નામે કરતાં જ હોય છે, પણ હવે વર્ચ્યુઅલ દુનિયામાં પણ તેમણે એક એવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે કે જેણે વિશ્વના શક્તિશાળી દેશોના નેતાઓને પણ પાછળ છોડી દીધા છે. સોશિયલ મીડિયા પર પોતાની પકડ મજબૂત કરતા પીએમ મોદી હવે વિશ્વના સૌથી લોકપ્રિય 'ડિજિટલ પોલિટીકલ લીડર' બની ગયા છે. ચાલો જોઈએ શું છે પીએમ મોદીજીની આ નવી સિદ્ધિ... 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીનો ઉપયોગ જનતા સાથે જોડાવા માટે કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ અનુસાર પીએમ મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલે ૩૦ મિલિયન (૩ કરોડ) સબસ્ક્રાઇબર્સનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ આંકડો વિશ્વના કોઈપણ કાર્યરત કે ભૂતપૂર્વ રાજકીય નેતા માટે આ સૌથી મોટો રેકોર્ડ કહી શકાય એમ છે. 

વાત કરીએ અને ગ્લોબલ લીડર્સની તો જ્યારે આપણે પીએમ મોદીની સરખામણી વિશ્વના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે કરીએ છીએ, ત્યારે તફાવત ખૂબ જ ચોંકાવનારો છે. આ યાદીમાં બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો બીજા ક્રમે છે, પરંતુ તેમના સબસ્ક્રાઇબર્સ પીએમ મોદી કરતા માત્ર ચોથા ભાગના જ છે.

જગતજમાદાર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો સતત લાઈમલાઈટમાં રહેતાં અને વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતા હોવા છતાં પણ ટ્રમ્પના સબસ્ક્રાઇબર્સ આશરે ૪ મિલિયન (૪૦ લાખ) છે. બીજા શબ્દોમાં કહેવાનું થાય તો પીએમ મોદીની લોકપ્રિયતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ કરતાં સાત ગણી વધારે છે. આ રેસમાં વલોદિમિર ઝેલેન્સ્કી 1.4 મિલિયન, ઈમેન્યુઅલ મેક્રોન 3.91 લાખ અને જ્યોર્જિયા મેલોની 1.58 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે આ રેસમાં ખૂબ જ પાછળ છે.

33,000થી વધુ વીડિયો છે પીએમ મોદીજીની ચેનલ પર... 

પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ થી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં તેમના ભાષણો, વિદેશ પ્રવાસો, જનસંવાદ અને મહત્વની યોજનાઓની માહિતી ઉપલબ્ધ છે. આટલી વિશાળ માત્રામાં કન્ટેન્ટ અને કરોડોની ફોલોઅર સંખ્યા દર્શાવે છે કે દુનિયાભરમાં તેમની લોકપ્રિયતા કઈ હદે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી માત્ર યુટ્યુબ પર જ નહીં, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પણ વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજનેતા છે. તેમના ડિજિટલ એકાઉન્ટ્સ આજે વૈશ્વિક રાજકીય સંવાદના સૌથી પ્રભાવશાળી કેન્દ્ર બની ચૂક્યા છે.