Sat Sep 12 2026

Logo

ડિજિટલ ઈન્ડિયાનું લોલંલોલઃ સુરતમાં દરજીકામ કરીને 15 હજાર કમાતા વૃદ્ધને  975 કરોડ ઈન્કમટેક્સ ભરવા નોટિસ !

2026-08-22 11:16:00
Author: Mayur Patel
ડિજિટલ ઈન્ડિયાનું લોલંલોલઃ સુરતમાં દરજીકામ કરીને 15 હજાર કમાતા વૃદ્ધને  975 કરોડ ઈન્કમટેક્સ ભરવા નોટિસ !

સુરતઃ સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. આ દરમિયાન સુરતમાં ડિજિટલ ઈન્ડિયાનું લોલંલોલ સામે આવ્યું હતું. દરજીકામ કરીને 15 હજાર કમાતા વૃદ્ધને રૂ. 975 કરોડ ઈન્કમટેક્સ ભરવા નોટિસ મળી હતી.

શું છે સમગ્ર મામલો

રજિસ્ટર્ડ સરનામે ડાયમંડ કંપની નોંધાઈ હતી. હકીકતમાં ત્યાં એન્જિનિયરિંગ વર્કશોપ હતું. મકાનમાલિક કંપની અંગે સંપૂર્ણ અજાણ હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે રજિસ્ટર્ડ સરનામે 1997થી એક પરિવાર વસવાટ કરે છે અને એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રીપેરિંગ કામ થાય છે. અહીં ક્યારેય કોઈ બેંક કે ઇન્કમટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા નથી. હાલ જે વ્યક્તિ ત્યાં રહે છે તેમને ક બોગસ કંપનીના ડિરેક્ટર દર્શાવી સીધી રૂ 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવતાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ભેજાબાજોએ ગરીબ દરજીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર રૂ. 2500 કરોડના હવાલા પાડ્યા હતા.

કંપનીના નામે નાણાકીય વર્ષ 2012-13માં થયેલા રૂ. 2250 થી રૂ. 2500 કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન બદલ આવકવેરા વિભાગે આકારણી કરી રૂ. 750 કરોડ ટેક્સ અને રૂ. 225 કરોડ પેનલ્ટી મળી કુલ રૂ.975 કરોડની રિકવરી માટે ડિરેક્ટર તરીકે દર્શાવેલા દરજી રેખરાજને નોટિસ પાઠવી હતી. આ નોટિસ મળતાં જ ભોગ બનનાર રેખરાજે સુરત આવકવેરા વિભાગને ઈ-મેલ દ્વારા ખુલાસો મોકલ્યો હતો. આ ઉપરાંત ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવકવેરા અધિનિયમની કલમ-179 હેઠળ ડિરેક્ટરો પાસેથી ટેક્સ વસૂલાતની જોગવાઈ હોવાથી માત્ર મૌખિક ખુલાસાથી રાહત મળશે નહીં. પીડિતે સાયબર ક્રાઈમમાં એફઆઈઆર અને ROC સમક્ષ રજૂઆત કરવી પડશે, તેમજ જરૂર પડ્યે રાહત મેળવવા માટે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી સ્ટે મેળવવો પડશે.