એક જ રંગ બે ભિન્ન લાગણી દર્શાવતું નેધરલેન્ડ્સનું આશ્ચર્ય છે
એક નજર ઈધર ભી - કામિની શ્રોફ
`રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં' એ આપણી ભાષાનું સીતારામ - રાધેશ્યામનું ભજન છે. માનવ જીવનની નશ્વરતા અને ઈશ્વરભક્તિના રંગમાં રંગાઈ જવાની વાત ભજન કરે છે. જોકે, યુરોપના નયનરમ્ય દેશ નેધરલેન્ડ્સના રહેવાસીઓ માનવ જીવનના ઉત્સવને માણવા નારંગી રંગ (ઓરેન્જ કલર)માં રંગાઈ જાય છે. કિગ્સ- ડે, રાજવી કાર્યક્રમ, લગ્ન ને અન્ય ઉજવણી પ્રસંગો તેમ જ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ અને ફોર્મ્યુલા વન રેસ જેવા ખેલકૂદના પ્રસંગોએ અત્ર - તત્ર - સર્વત્ર નારંગી રંગ જોવા મળે છે. નદીનાં નીર, ઉદ્યાનના વૃક્ષ અને આકાશના વાદળને પણ `હું કેમ નારંગી નહીં?' એવો પ્રશ્ન થઈ શકે એ હદે વાતાવરણ નારંગીમય બની જાય છે.
આમાં રસપ્રદ વાત એ પણ છે કે આ જ નારંગી રંગ દેશની અખંડતાનું પ્રતીક છે તો સાથે સાથે વિભાજન તરફ પણ આંગળી ચીંધે છે. `વન કલર વન નેશન' એ સામાન્યપણે રાજકીય કટાક્ષ છે, જેમાં કોઈ એક વિચારધારા કે કોઈ એક સંસ્કૃતિ પ્રત્યેના ઝુકાવ પર ટિપ્પણી કરવામાં આવે છે. નેધરલેન્ડ્સના કેસમાં તો કેવળ લાગણીનો
દરિયો છે.
કેમ? કેમ નારંગી જ કેમ?
લાલ - પીળો કે વાદળી કેમ નહીં? લીલો કેમ નહીં? અને કેમ નારંગી? એવો સવાલ મનમાં ઊગવો સ્વાભાવિક છે, કારણ કે ઉજવણીનું પ્રતીક તો લાલ રંગ મનાયો છે. જોકે, રંગશાસ્ત્ર કહે છે કે લાલ અને પીળાની મેળવણીથી નારંગી રંગ તૈયાર થતો હોવાથી એ પેશન અને પોઝિટિવિટી (જોશ અને આશા) તેમ જ એનર્જી અને એક્ટિવિટી (ઊર્જા અને પ્રવૃત્તિ)નું પ્રતીક છે. આ રંગ પ્રત્યેના લગાવ પાછળ ઐતિહાસિક કારણ છે. નેધરલેન્ડ્સનો રાજવી પરિવાર `હાઉસ ઓફ ઓરેન્જ' તરીકે ઓળખાતો હોવાથી એ રાષ્ટ્રીય રંગ બની ગયો છે.
500 વર્ષ પાછળ ડોકિયું કરતા જાણવા મળે છે કે 1533માં જન્મેલા વિલેમ ઓફ નાસા - ડિલેનબોર્ગને 11 વર્ષની ઉંમરે ફ્રાન્સની દક્ષિણે આવેલા અને `પ્રિંસિપાલીટી ઓફ ઓરેન્જ' તરીકે ઓળખાતો પ્રદેશ વારસામાં મળ્યો હતો. રાજા બની જવાને કારણે એનું નામ `વિલેમ ઓફ ઓરેન્જ નાસા' થઈ ગયું. કાચી ઉંમર અને કાચી સમજને કારણે શરૂઆતમાં એ સ્પેનોનો `જી હુજુર' હતો. જેમ જેમ સમજણ વિકસતી ગઈ એમ સ્પેનની રાજકીય - ધાર્મિક દમનકારી નીતિ પ્રત્યે રોષ ભભૂક્યો. 35 વર્ષની ઉંમરે 1568માં તેણે સ્પેન વિદ્ધ બળવાની શરૂઆત કરી તેમની પાસેથી આજે બ્રીયેલ તરીકે ઓળખાતું શહેર આંચકી લીધું. એ સમયે લોકોએ પહેલી વાર ઓરેન્જ - નારંગી રંગને ઉજવણીના રંગના પ્રતીક તરીકે સ્વીકાર્યું. `વિલેમ ઓફ ઓરેન્જ નાસા' નેધરલેન્ડ્સમાં `ધ ફાધર ઓફ ફાધરલેન્ડ્સ' તરીકે ખ્યાતિ ધરાવે છે અને એ સમયથી લોકો રાષ્ટ્રીય એકતા અને ગૌરવના પ્રતીકરૂપે ડચ લોકો ઓરેન્જ - નારંગી રંગને પહેરવેશમાં અને ઉજવણીમાં પ્રાધાન્ય આપી રહ્યા છે.
નારંગી ગાજર - નેધરલેન્ડ્સનું કનેક્શન
રંગ બદલવો એ મનુષ્ય પ્રકૃતિની સ્વાભાવિકતા ગણાય છે. જોકે, રંગ બદલવાના ઉલ્લેખ સાથે સ્વબચાવ અને તાપમાન સામે રક્ષણ તરીકે રંગ બદલવા માટે પ્રખ્યાત કાચિંડો યાદ આવી જાય. અચંબો થાય એવી વાત એ છે કે તમે ટેસથી જે ગાજરનો જ્યૂસ પીઓ છો કે સેલડમાં કે રાઈવાળા મરચાં સાથે અથાણામાં તેમ જ ગાજરના હલવા તરીકે હોંશે હોંશે ખાવ છો એ ગાજરને નેધરલેન્ડ્સ સાથે કનેક્શન છે.
વાત એમ છે કે ઘણા વર્ષ પહેલાં ગાજર આજે જોવા મળે છે એવા રંગના નહોતા. બલકે સફેદ, જાંબલી અથવા આછા પીળા રંગના હતા. માનવામાં નથી આવતું ને? હવે તમને એવો પણ સવાલ થશે કે તો પછી ગાજર રંગ બદલીને નારંગી રંગના કઈ રીતે થયા? એની એક રસપ્રદ કથા છે.
કથા એવી છે કે વિલેમ ઓફ ઓરેન્જએ 17મી સદીમાં નેધરલેન્ડ્સના રહેવાસીઓને ગુલામીમાંથી મુક્ત કરાવી આઝાદી મેળવવામાં મદદ કરી હતી. આ ઉપકારના નજરાણા તરીકે ડચ ખેડૂતોએ રાજાનું સન્માન કરવા ખેતીવાડીમાં અખતરો કર્યો અને નારંગી રંગ (ઓરેન્જ કલર)ની ગાજરની નવી જાતિ વિકસાવી. આ નવા નારંગી રંગને અફાટ લોકપ્રિયતા મળી અને એ નેધરલેન્ડ્સનો સત્તાવાર રંગ બની ગયો.
ધ્વજમાંથી નારંગી રંગ ગાયબ થયો
વિલેમ ઓફ ઓરેન્જના સન્માન અર્થે 16મી સદીના મૂળ ડચ ધ્વજમાં નારંગી, સફેદ અને ભૂરો (ઓરેન્જ, વાઈટ અને બ્લુ) એ ત્રણ રંગ હતા. જોકે, 17મી સદીમાં નારંગી રંગ હટાવી લાલ રંગ આવી ગયો. આજના નેધરલેન્ડ્સના રાષ્ટ્રીય ધ્વજમાં લાલ, સફેદ અને ભૂરો (રેડ, વાઈટ અને બ્લુ) એ ત્રણ રંગ છે. નારંગી રંગ કાઢી નાખવા પાછળ સાગરી સમસ્યા, એ સમયની ડાયના મટીરિયલની તકલીફ અને રાજકીય કારણો જવાબદાર હતાં. સાગર ક્ષેત્રમાં સલામતીનું ધ્યાન રાખતા નાવિકો અને નેવી કમાન્ડરોની દલીલ હતી કે દૂર દૂર દરિયામાં નારંગી રંગ ઝાંખો દેખાતો હતો જ્યારે લાલ રંગ સ્પષ્ટ અને પ્રભાવીપણે નજરે પડતો હતો. બીજું કારણ હતું ઓરેન્જ ડાયનું. તીવ્ર સૂર્ય પ્રકાશમાં અને દરિયાઈ ક્ષારને કારણે નારંગી રંગ બહુ જલદી ઝાંખો પડી પીળો થઈ જતો હતો. પરિણામે એને ફરી ડાય કરવો પડતો હતો. લાલ રંગ વાપરવાથી એ ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ.રાજકીય કારણ એ હતું કે ઓરેન્જ કલર રાજવી સત્તાનું પ્રતીક હતું જ્યારે રેડ કલર રાજવી પરિવારના પ્રભાવમાંથી બહાર નીકળ્યા હોવાનો એહસાસ કરાવે છે.