મેજર ધ્યાનચંદથી મનુ ભાકર સુધીની ભારતીય ખેલકૂદની અવિરત સફર: કૉમનવેલ્થ પછી હવે એશિયાડ પર સૌની નજર
મનુ ભાકરે 2024ની પૅરિસ ઑલિમ્પિક્સની નિશાનબાજીમાં ભારતને બે બ્રૉન્ઝ મેડલ અપાવ્યાં હતાં.
29મી ઑગસ્ટે મહાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદનો 121મો જન્મદિન વિવિધ ખેલ સ્પર્ધાઓ રાખીને ઉજવવામાં આવશે.
સ્પોર્ટ્સમૅન - સાશા
ભારતીયો માટે હવે તો આખું વર્ષ ખેલકૂદથી ભરપૂર રહેતું હોય છે અને 2026નું વર્ષ તો વરદાનરૂપ છે, કારણકે ક્રિકેટની મોટી-મોટી ટૂર્નામેન્ટો અને સિરીઝો ઉપરાંત અન્ય રમતોની સ્પર્ધાઓ પણ આ વર્ષમાં યોજાઈ છે અને હજી યોજાવાની છે. ભારતે 74 દેશવાળી કૉમનવેલ્થ ગેમ્સમાં ચોથા નંબરે કુલ 39 ચંદ્રક જીતીને ગુડબાય કરી ત્યાર બાદ હવે 45 દેશ માટેની એશિયન ગેમ્સના આરંભને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 19મી સપ્ટેમ્બરે જાપાનમાં એશિયાડ શરૂ થાય એ પહેલાં 29મી ઑગસ્ટનો દિવસ (આવતો શનિવાર) એક મોટા અવસર સમાન છે. દર વર્ષે 29મી ઑગસ્ટનો રાષ્ટ્રીય ખેલ દિવસ ભારતના રમતગમતના ઇતિહાસના એ અધ્યાયની યાદ અપાવે છે જ્યારે મેદાન પર એક ખેલાડીના જાદુએ દુનિયાને ભારત તરફ જોવા મજબૂર કરી દીધી હતી.
હા, આપણે હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની જ વાત કરી રહ્યા છીએ. હૉકીની સ્ટિક પર તેમનું ગજબનું નિયંત્રણ હતું. તેમની રમવાની સ્ટાઇલ અને દમદાર પર્ફોર્મન્સ જોઈને જ લોકો તેમને હૉકીના જાદુગર કહેતા હતા. જોકે આજે (2026માં) ભારત પાસે ફક્ત મેજર ધ્યાનચંદની સ્મૃતિઓ જ નહીં, આજે તો ભારતના ખેલ વીરો અને ખેલ વીરાંગનાઓની યાદી ખૂબ લાંબી બની રહી છે. એમાં નીરજ ચોપડાથી લઈને મનુ ભાકર સુધી અને પી. વી. સિંધુથી માંડીને નિખત ઝરીન સુધીના ઍથ્લીટો અને ખેલાડીઓ સામેલ છે. આ બધા નામ વચ્ચે એક સૈકાનું અંતર છે, પરંતુ એક બાબત તો સમાન જ છે. ભારતમાં ખેલકૂદ હવે માત્ર મનોરંજન નહીં, પણ રાષ્ટ્રીય આત્મવિશ્વાસ અને વ્યક્તિગત ઓળખનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે.
ધ્યાનચંદ જે યુગમાં રમતા હતા ત્યારે ભારતની ખેલ-દુનિયા સીમિત હતી. સંશાધનો મર્યાદિત હતા અને આંગળીને વેઢે ગણાય એટલી જ રમતોમાં ભારતીયોનો ડંકો વાગતો હતો. હૉકી ત્યારે ભારતની સૌથી મોટી ઓળખ હતી અને ભારતનું આ રમતમાં વર્ચસ્વ પણ હતું. ધ્યાનચંદે 1928, 1932 અને 1936માં ભારતને ઑલિમ્પિક્સમાં હૉકીનો સુવર્ણચંદ્રક અપાવવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના ટૅલન્ટ, કાબેલિયત અને ક્ષમતાની ચર્ચા એટલી બધી દૂર પહોંચી કે દુનિયાના અનેક ભાગોમાં ભારતીય હૉકીને તેમના (ધ્યાનચંદના) નામથી જ ઓળખાવવામાં આવતી હતી. એ યુગના અને આજના જમાનાના ખેલાડીઓ વચ્ચે મોટું અંતર પૂર્વતૈયારીના વિજ્ઞાનનું છે. ધ્યાનચંદના સમયમાં ખેલાડી પોતાની પ્રતિભા, પ્રૅક્ટિસ-તાલીમ અને અનુભવ પર નિર્ભર રહેતા હતા. આજનો ખેલાડી પ્રદર્શન સાથે સંકળાયેલી દરેક નાની-મોટી બાબતને વૈજ્ઞાનિક ઢબે સમજે છે અને તેની ટે્રઇનિંગમાં ફિટનેસ નિષ્ણાત, ફિઝિયોથેરપિસ્ટ, ડાયટ એક્સપર્ટ, મનોવૈજ્ઞાનિક વીડિયો વિશ્લેષક તથા ડૅટા સુધીનું બધુ જ સામેલ હોય છે.
વાસ્તવમાં આ જ પરિવર્તન એટલે ભારતીય ખેલ ક્ષેત્રે શરૂ થયેલું નવું પ્રકરણ. એક સમય હતો જ્યારે ભારતમાં રમતગમત એટલે માત્ર ક્રિકેટ અને હૉકી. બીજી કોઈ રમતનું જાણે નામનિશાન નહોતું. ખેલપ્રેમીઓ અન્ય દેશોના સ્પોર્ટ્સપર્સન્સના જ પ્રદર્શન જાણીને સંતુષ્ટ થતા હતા. જોકે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે ઍથ્લેટિક્સ, નિશાનબાજી, તલવારબાજી, મુક્કાબાજી, તીરંદાજી, બૅડ્મિન્ટન, કુસ્તી, વેઇટલિફ્ટિંગ, ભાલાફેંક, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્ક્વૉશ તેમ જ દિવ્યાંગો માટેની પૅરા સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રે ભારતીય ખેલાડીઓએ પોતાની દમદાર ઓળખ બનાવી છે. એક યુવા મહિલા ખેલાડીના રૂપમાં મનુ ભાકર એનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં બબ્બે કાંસ્યચંદ્રક જીતનાર મનુ ભાકરે આંતરરાષ્ટ્રીય મહિલા શૂટિંગમાં ભારતને અલગ જ ઓળખ અપાવી છે. એટલું જ નહીં, તેણે નવી પેઢીની મહત્ત્વકાંક્ષા પણ શેષ ખેલજગત સમક્ષ મૂકી છે. તેણે એકસાથે બે સર્વશ્રેષ્ઠ બ્રૉન્ઝ મેડલ જીતીને એવી ઘોષણા પણ કરી હતી કે ભારત મોટા ખેલ-મંચ પર પણ ચંદ્રકો માટે દાવેદાર છે.
ભારતીય લશ્કરના જવાન નીરજ ચોપડાની કરીઅર અને લાઇફ-સ્ટોરી આ પરિવર્તનને સૌથી સારી રીતે વર્ણવે છે. ખેતરમાંથી નીકળીને ઑલિમ્પિક્સના મંચ સુધી પહોંચનાર નીરજે ભાલાફેંકના લગભગ દરેક મોટા મેડલ હાંસલ કર્યા છે. આ બદલાવ ફક્ત ચંદ્રકો સુધી સીમિત નથી, પણ રમતોની સામાજિક પ્રતિષ્ઠાનો પણ મહત્ત્વનો મુદ્દો છે. ઍથ્લીટો અને ખેલાડીઓ હવે રમતગમતને ફક્ત શોખ તરીકે પસંદ નથી કરતા, એને કારકિર્દીના વિકલ્પ તરીકે પણ જુએ છે. અગાઉ કોઈ પણ બાળક કે બાળકી રમતગમતમાં વધુ રુચિ બતાવતા ત્યારે તેમના માતા-પિતાની `ભણવું છે કે નહીં? એના પર ધ્યાન આપ' એવી પહેલી પ્રતિક્રિયા રહેતી હતી. પૅરેન્ટ્સની એ ચિંતા આજે પણ પૂર્ણપણે દૂર નથી થઈ, પરંતુ તેમના અભિગમમાં બદલાવ તો જોવા મળ્યો જ છે.
સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો આજે સ્થિતિ એટલી હદે બદલાઈ ગઈ છે કે હવે તો ગામડાંમાં રહેતા મા-બાપ પણ વિચારે છે કે તેમનો પુત્ર કે પુત્રી રમતગમતમાં સારું પ્રદર્શન કરશે તો તેને નોકરી-વ્યાવસાય પણ આસાનીથી મળી શકશે. આજે સ્થિતિ એવી છે કે જો કોઈ ખેલકૂદપ્રેમી સારો ખેલાડી ન બની શકે તો તેના માટે આ અગિયાર ક્ષેત્રે પણ નોકરી-વ્યાવસાયનો (કરીઅર બનાવવાનો) અવકાશ હોય છે: સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ, કોચિંગ, ફિટનેસ ટે્રઇનિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોથેરપી, ન્યૂટ્રિશનિસ્ટ, ડૅટા ઍનેલિટિક્સ, સ્પોર્ટ્સ જર્નલિઝમ, કૉમેન્ટરી, ડિજિટલ ક્નટેન્ટ રાઇટર અને ખેલ પ્રસારણ.
હવે રાષ્ટ્રીય ખેલદિવસ હવે ખેલાડીઓને પુરસ્કાર આપવા સુધી સીમિત નથી. આ દિવસ યુવા વર્ગને એવો સંદેશ આપવાનો પણ અવસર છે કે ખેલકૂદમાં પોતાના કૌશલ્ય (સ્કિલ) બતાવવા ઉપરાંત વ્યવસ્થિત કારકિર્દી પણ બનાવી શકાય છે. અગાઉ ગામ તેમ જ નાના શહેરોમાં ખેલકૂદને સામાજિક સ્તરે ઓછું મહત્ત્વ મળતું હતું, પરંતુ આજે એ જ ગામ અને શહેરો (જો પોતાનો કોઈ રહેવાસી છોકરો કે છોકરી) રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કંઈક અચિવ કરે છે તો સૌકોઈ નાગરિક ગૌરવ અનુભવે છે અને તેના સ્વાગતથી માંડીને તેની ભાવિ સફળતા માટે આશીર્વાદ-શુભેચ્છા પણ આપે છે. ભારતીય સમાજમાં ખેલકૂદ પ્રત્યે આ મોટું પરિવર્તન આવી ગયું છે. સરકાર તરફથી પણ હવે આશાસ્પદ ઍથ્લીટો/ખેલાડીઓને મોંધીદાટ અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
છેલ્લાં થોડા દાયકા દરમ્યાન નાના ગામ તથા નગરોમાંથી મહેન્દ્ર સિંહ ધોનીથી માંડીને મીરાંબાઈ ચાનુ સુધીની જે પ્રતિભાઓ બહાર આવી છે અને દુનિયાભરમાં ચમકી છે એને લીધે યુવા પેઢીને પણ સપનાં જોવાની અને સફળતા મેળવવાની પ્રેરણા મળે છે. આજે હવે તમને આંતરરાષ્ટ્રીય ફલક પર સફળ થતો પુરુષ કે મહિલા ઍથ્લીટ માત્ર મુંબઈ, બેંગ્લૂરુ, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ કે હૈદરાબાદના જ હોય એવું નથી રહ્યું. ક્યારેક તો નામ પણ ન સાંભળ્યું હોય એવા ગામમાં તેમનો ઉછેર થયા હોય છે અને ત્યાર બાદ તેઓ મેડલના મંચ સુધી (ઊંચા શિખર સુધી) પહોંચ્યા હોય છે. ટૂંકમાં, ભારતમાં ખેલકૂદ પ્રત્યે અભિગમ તો બદલાઈ જ રહ્યો છે, શેષ વિશ્વને પણ વારંવાર ભારતીયોના ટૅલન્ટની ઝલક જોવા મળી રહી છે.