સુરતઃ શહેરના નાના વરાછા પોલીસ ચોકી પરિસરમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. અહીં ફરજ પર તૈનાત પીએસઆઈ પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વરની સફાઈ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આકસ્મિક રીતે ગોળી છૂટી ગઈ હતી. આ મિસ ફાયરિંગમાં છૂટેલી ગોળી ટેબલ પર મૂકેલા પાણીના જગને તોડીને પોલીસ ચોકીથી આશરે 15 ફૂટ દૂર ઉભેલા અરવિંદ પટેલે પેટના ભાગે વાગીને આરપાર નીકળી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે પોલીસ ચોકીમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સફાઈ દરમિયાન ટ્રિગર દબાતા ગોળી છૂટી ગઈ
ડીસીપી આલોક કુમારના જણાવ્યા પ્રમાણે ઘટના સમયે પીએસઆઈ ચોકીના મુખ્ય દરવાજાની જમણી બાજુએ બેસીને પોતાના હથિયારની નિયમિત સફાઈ કરી રહ્યા હતા. રિવોલ્વરમાં અગાઉથી જ એક કારતૂસ ફસાયેલો રહી ગયો હતો. સફાઈ કરતી વખતે આકસ્મિક રીતે ટ્રિગર પર દબાણ આવતાં જ ગોળી છૂટી ગઈ હતી અને અંદાજે 30 ફૂટના અંતર સુધી ઘસી ગઈ હતી.
ઈજાગ્રસ્તને ત્વરિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ઘટના બનતાં જ પીએસઆઈ મકવાણાએ સહેજ પણ વિલંબ કર્યા વગર ઈજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલિક પોતાની ખાનગી ગાડીમાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડ્યા હતા. તબીબોએ તાત્કાલિક ઓપરેશન અને સારવાર હાથ ધરી દીધી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, સમયસર સારવાર મળી જવાથી હાલ દર્દીની સ્થિતિ ખતરાથી બહાર અને સ્થિર છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી આલોક કુમારે પોતે ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ તરફથી મેડિકો-લીગલ કેસ રિપોર્ટ અને ડોક્ટરોના સ્ટેટમેન્ટ આવ્યા બાદ આ બેદરકારી બદલ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને કડક સત્તાવાર કાર્યવાહી કરવામાં આવશે.