Wed Aug 26 2026

Logo

સમય સાથે ભાઇ-બહેનના સંબંધ પણ બદલાયા...

2026-08-22 10:47:00
Author: Namrata Nadeem
સમય સાથે ભાઇ-બહેનના સંબંધ પણ બદલાયા...

વિશેષ - નમ્રતા નદીમ

હું ઘરમાં સૌથી નાની હતી. મારા બે મોટા ભાઇઓ અને મારી ઉંમર વચ્ચે ઘણું અંતર હતું. બાળપણથી જ મારા ભાઇઓએ અમને કડક શિસ્તમાં રાખ્યા હતા. અમને સાંજના 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાની પરવાનગી ન હતી. જ્યારે યુવાનીમાં પ્રવેશ્યા ત્યારે અમારા બંને ભાઇઓ અમારી દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. અમે તેઓથી એટલા ડરતા હતા કે તેમની કડક શિસ્ત અમને ક્યારેય ગેરમાર્ગે દોરાવા દેતા નહોતા. અમે અમારા પિતાથી ડરતા ન હતા, પરંતુ બંને ભાઇઓના ઠપકાનો અમને હંમેશાં ડર રહેતો હતો. જો અમે કોઇના પ્રેમમાં પડીને ઘરમાં લગ્ન કરવાની વાત કરવાનું વિચાર્યું હોત તો કદાચ અમને મારી નાખવામાં આવ્યા હોત. આ વાત છે 62 વર્ષીય રંજના ચૌહાણની.

આ ઉંમરની મોટાભાગની મહિલાઓએ કદાચ તેમના ઘરમાં પિતાથી વધુ ભાઇના કડક વલણ અને આકરા પ્રતિબંધો વચ્ચે જ પોતાનું બાળપણ અને યુવાની વિતાવી હશે, પરંતુ આજની પેઢી વચ્ચે ભાઇ-બહેનના આ પ્રકારના સંબંધો હોવાની કલ્પના પણ કરી શકાય નહીં. જેનું સૌથી મોટું કારણ સંતાનના નામે આજકાલ એક, બે કે ત્રણ બાળકો હોવા છે. જેથી તેઓ વચ્ચે ઉંમરનું એટલું બધું અંતર હોતું નથી કે ભાઇઓ બહેનો પર કડક શિસ્ત થોપી શકે.

વર્તમાન સમયમાં ભાઇ અને બહેનના સંબંધોમાં બદલાતા સમયની સાથે ઘણું પરિવર્તન આવ્યું છે. એક એ જમાનો હતો જ્યારે ઘરમાં મોટા ભાઇની ધાક હતી. જો બહેન નાની હોય તો તેને બાળપણથી જ એટલી કડક શિસ્તમાં રાખવામાં આવતી હતી કે તે ભાઇઓથી ડરતી હતી. ભલે તેનો આદર કરતી હોય, પરંતુ તેને પિતા કરતાં વધુ ભાઇથી ડર લાગતો હતો. હવે એવું નથી. સમાન ઉંમરના ભાઇ-બહેન પરસ્પર એકબીજા સાથે એવી વાતો શેર કરે છે જાણે કે એક સારા મિત્રો હોય. ભાઇ-બહેન એકબીજાની સલાહ લઇને કામ કરે છે. એટલું જ નહીં તેઓ પરસ્પર એકબીજાના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની વાતો પણ શેર કરે છે. પહેલા જે ભાઇઓ બહેનોની આબરૂના રખેવાળ હોવાની બડાઇ કરતા હતા, તેઓ હવે તેના પર નજર રાખવાને બદલે તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખે છે. 

આજના યુગમાં ભાઇ-બહેનનો સંબંધ લાગણીઓથી ઉપર ઊઠીને ઘણો વ્યવહારિક પણ બન્યો છે. જો બહેન ભાઇ પહેલા પૈસા કમાવવા માંડે છે અથવા ભાઇ બહેનની સરખામણીએ ઓછું કમાય છે તો બહેનો તેમના ભાઇને આર્થિક મદદ કરે છે. જ્યારે પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઇએ માત્ર બહેનને આપવાનું જ હોય છે, તેની પાસેથી લેવાનું હોતું નથી. હવે આ વિચારસરણીમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે, જે વ્યવહારિક છે. એક એ જમાનો હતો જ્યારે બહેનોના રક્ષણની જવાબદારી ભાઇના માથે રહેતી હતી. હવે છોકરીઓ શિક્ષણનું સ્તર વધવાથી ઘર છોડીને નાના-મોટા શહેરોમાં તેમના ભાઇઓ વગર એકલપંડે જ તેમનું જીવન જીવી રહી છે. આજના યુગમાં ભાઇ-બહેનનો સંબંધ સમાનતાનો સંબંધ બની ગયો છે. જો ભાઇ નાનો છે તો બહેન તેની તમામ પ્રકારની જવાબદારી નિભાવવા માટે તૈયાર રહે છે. જો ભાઇ મોટો છે તો તે તેની બહેનને તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર રહે છે. બંને એકબીજાની ભૂલોને તેમના માતા-પિતાથી છૂપાવીને એકબીજાને ઠપકાથી બચાવી લેતા હોય છે.  આજે બદલાતા યુગ સાથે દીકરીને પિતાની સંપત્તિમાં મળતો કાનૂની અધિકાર પણ ભાઇ-બહેનના સંબંધો વચ્ચેની ખટાશનું એક કારણ બન્યું છે. જો બહેન લગ્ન પછી પિતાની સંપત્તિમાંથી તેનો હિસ્સો માગે છે તો ભાઇ તેને સરળતાથી આપવા તૈયાર થતો નથી ત્યારે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી જાય છે. આ સંબંધમાં ભલે પરસ્પર લડાઇ-ઝઘડો હોય, પરંતુ વિશ્વાસ અને પ્રામાણિકતા હોય તો ભાઇ અને બહેને આ સંબંધને સારી રીતે સાચવીને રાખવો જ જોઇએ.