નવી દિલ્હીઃ આજે વિપક્ષ દ્વારા દિલ્હીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા મેદાન ખાતે વિપક્ષે મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવા માટે અપીલ કરી હતી. રાજધાનીમાં આવેલા રામલીલા મેદાનમાં આજે ઈન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાવાની છે. જેમાં તમામ વિપક્ષી પાર્ટીઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્તીઓના જૂથો, નાગરિકો અને પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ થશે તેવી સંભાવના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ મહારેલીમાં પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ ઉપસ્થિતિ રહેવાના છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં હોય તો તેના માટે સુરક્ષાનું પણ ધ્યાન રાખવું અતિઆવશ્યક છે. જેના માટે દિલ્હી પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મેદાને ઉતર્યા
રેલીની વાત કરીએ તો, કનોટ પ્લેસથી આ મહારેલીની શરૂઆત કરવામાં આવશે. જે મિન્ટો રોડ જંક્શનથી થઈને અજમેરી ગેટના રસ્તેથી રામલીલા મેદાન સુધી પહોંચશે. આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થાય તે માટે રાહુલ ગાંધીએ અપીલ કરી હતી. આ વિશાળ રેલીના આયોજનને જોતા દિલ્હી પોલીસ કમિશનર સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયાં છે. આ સાથે રેલીના આયોજન માટે સુરક્ષ વ્યવસ્થાનું ધ્યાન રહે તે માટેની તમામ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસની કેવી તૈયારી છે?
દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી સુરક્ષાની વાત કરવામાં આવે તો, શાંતિ અને સુરક્ષા માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કૂચના માર્ગ અને કાર્યક્રમ સ્થળ પર કુલ 4000 થી પણ વધારે પોલીસકર્મીઓ અને સીએપીએફ (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો)ની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે રામલીલા મેદાનને પણ 14 મોટા સુરક્ષા ઝોનમાં વહેચી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ દરેક ઝોનમાં એક આસિસ્ટન્ટ કમિશનર રેંકની આધિકારીની હાજરી રહેશે.
200 સીસીટીવી કેમેરાથી પોલીસ રાખશે બાજ નજર
આ સાથે આયોજન પર નજર રાખવા માટે 200 સીસીટીવી કેમેરા, ડ્રોન અને બોડી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસની વિગતો પ્રમાણે રામલીલા મેદાન ખાતે એક કંટ્રોલ રૂપ પણ તૈનાત કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, દિલ્હીમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે, વિપક્ષની મહારેલીમાં દરમિયાન કોઈ વિવાદ કે હિંસા ના થાય તે માટે દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા માટે આ તૈયારી કરવામાં આવી છે.