રાજકોટમાં દારૂબંધીના કાયદાના અમલ સામે સવાલો ઊભા કરતી એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. શહેરમાં યોજાયેલી આ પાર્ટી પર પોલીસે દરોડો પાડતાં 55 લોકોને અટકાયતમાં લીધા છે. જેમાં 22 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે રાજકોટના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટમાં ડેકોરા ગ્રુપના નિખિલ પટેલ અને ચિરાગ પટેલ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરમિયાન પોલીસને આ અંગેની જાણ થતાં સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે દરોડો પાડીને કુલ 55 લોકોને અટકાયતમાં લીધા હતા.
આ કાર્યવાહી દરમિયાન 22 મહિલાઓ પણ પોલીસના હાથે આવી છે. તમામ અટકાયત કરાયેલા લોકોની મેડિકલ તપાસ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મેડિકલ ટેસ્ટના રિપોર્ટ બાદ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.
પ્રાથમિક વિગતો મુજબ, તમામ લોકોના મેડિકલ ટેસ્ટ બાદ પોલીસ દ્વારા આ પ્રકરણમાં FIR નોંધવામાં આવશે. પાર્ટીનું આયોજન કયા સંજોગોમાં કરવામાં આવ્યું હતું, તેમાં દારૂની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી હતી અને અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દાઓ તપાસનો વિષય બની શકે છે.
નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં અવારનવાર આવી પાર્ટીઓ સામે આવતી રહે છે. ત્યારે રાજકોટમાં યોજાયેલી આ હાઈપ્રોફાઈલ પાર્ટી અને તેમાં 55 લોકોની અટકાયતનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે પોલીસની તપાસમાં આ સમગ્ર પ્રકરણની વધુ વિગતો સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.