Wed Sep 09 2026

Logo

પર્યટનના પોતાના આગવા સિદ્ધાંત પર ટકી રહેલો દેશ: ભૂતાન

2026-08-22 10:41:00
Author: Jaywant Pandya
પર્યટનના પોતાના આગવા સિદ્ધાંત પર ટકી રહેલો દેશ: ભૂતાન

આ અનેરા દેશની મુખ્ય આવકનો સ્રોત પર્યટન છે, પરંતુ ત્યાં પર્યટકને સ્વૈરવિહારની અનુમતિ નથી. ગમે તેવાં કપડાં પહેરી, ગમે તેવું વર્તન કરવાની છૂટ નથી. ત્યાં પોશાકથી લઈને વર્તનના ચોક્કસ નિયમો અનુસરવા પડે છે.

સિક્કાની ત્રીજી બાજુ - જ્યવંત પંડ્યા

ભૂતાનની કમાણીનો એક સ્રોત ખેતી અને વનીકરણ ઉપરાંત પર્યટન પણ છે, પરંતુ પર્યટન માટે તેણે આપણી જેમ બધા નિયમોને તડકે નથી મૂકી દીધા. તે પોતાના સિદ્ધાંત પર જ પર્યટકોને બોલાવે છે. પર્યટકોએ જો ભૂતાનમાં જવું હોય તો ત્યાંના સિદ્ધાંત મુજબ ચાલવું પડે.

ભૂતાનમાં પર્યટકો માટે કડક સિદ્ધાંતો છે. સૌથી પહેલો તો પોશાકનો સિદ્ધાંત. ભૂતાનમાં સહેલાણીઓ માટે પોશાકની ખૂબ જ મર્યાદા છે. સ્ત્રી સહેલાણીએ પોતાના ખભા ઢંકાતા હોય તેવો પોશાક પહેરવો અનિવાર્ય છે. છેલ્લાં થોડાં વર્ષોથી બીજે બધે સ્ત્રી પોતાની સ્તન વચ્ચેની જગ્યા ઉઘાડી દેખાય (ક્લીવેજ) એવા ફેશનેબલ ડે્રસ પહેરે છે. ભૂતાનમાં પર્યટક તરીકે સ્ત્રી આવો પોશાક પહેરે તો ન ચાલે. અહીં ખૂબ જ ટાઇટ, પારદર્શક અથવા જિમમાં પહેરાતાં ક્રોપ ટોપ પહેરીને પર્યટકો જઈ ન શકે. એમાંય જો પર્યટકોને ભૂતાનમાં પંથીય ઉપાસના સ્થળે ઝોંગ અને મઠોમાં જવું હોય તો પગની પાની સુધીના પેન્ટ અથવા લાંબું સ્કર્ટ પહેરવું પડે. (શર્ટ કે ટોપ બાંય વગરનું ન પહેરી શકાય. ટેન્ક ટોપ કે સ્ટે્રપી ક્લોથિંગ તો બિલકુલ નહીં. માથે હેટ) કે કેપ ન પહેરી શકો. તમે ચશ્માં-ગોગ્લ્સ પહેર્યા હોય તો તેને પણ ઉતારી લેવાના અને હા, એને સ્ટાઇલમાં માથે પણ નહીં ચડાવવાના...

ભૂતાનમાં જાહેરમાં ટાયલાવેડા કરવાની છૂટ નથી. જાહેરમાં કિસ કરવી-ભેટાભેટી  કરવી  ન ચાલે. હા, હાથમાં હાથ નાખીને ચાલી શકાય. જાહેરમાં કે બાળકો અથવા વડીલોની ઉપસ્થિતિમાં ધૂમ્રપાન પણ ન કરી શકાય. જાહેર સ્થળે કચરો તો બિલકુલ ન ફેંકવો જોઈએ. મઠ, મંદિર કે કોઈના ખાનગી ઘરમાં જાવ તો પણ બહાર ચપ્પલ-બૂટ કાઢીને જ જવું પડે. મંદિર, ઝોંગ કે પૂજા ખંડની અંદર તમારે ધીમું ચાલવાનું હોય છે. દીવાલને કે થાંભલે ટેકો દઈને ન બેસી શકો. અને હા, ત્યાં ઘાંટાઘાંટી નહીં કરવાની. મોટા અવાજે નહીં બોલવાનું.

અહીં તમે મંદિર કે મઠ જેવી પવિત્ર જગ્યામાં પ્રવેશો એટલે મોબાઇલને મૂંગો કરી દેવાનો. પહેલા તો બોલવાનું જ નહીં અને અતિ આવશ્યક હોય તો ધીમા અવાજે બોલવાનું.

ત્યાં લોકો દંડવત્‌‍ પ્રણામ કરતા, મણિ ચક્ર ફેરવતા કે કંઈ અર્પણ કરતા જોવા મળી શકે છે. તમારે તે માર્ગમાંથી પસાર થવાનું હોય તો તેમને ખલેલ પાડ્યા વગર - અવાજ કર્યા વગર ધીમેકથી તેમની પાછળથી પસાર થઈ જવાનું.

આપણે ત્યાં મોટાં મંદિરમાં તસવીરો ખેંચવાની મનાઈ હોય છે તેમ છતાં કેટલાક લોકો મંદિરના સંચાલકોની  દૃષ્ટિ ચૂકવીને કે પછી કોઈ ઓળખાણ લગાવીને તસવીરો પડાવી લે છે. કેટલાક લોકો તો મંદિરમાં પ્રવેશતા હોય, પ્રણામ કરતા હોય, પૂજા કરતા હોય તેવા વીડિયો સોશ્યલ મીડિયા પર મૂકવા માટે શૂટ કરતાં હોય છે, પણ  ભૂતાનમાં આવું ન ચાલે. મુખ્ય ઉપાસના ખંડમાં ફોટોગ્રાફીની કડક રીતે મનાઈ છે. ત્યાં ભગવાન બુદ્ધની પ્રતિમા કે અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા હોય તો તેને અણછાજતી રીતે સ્પર્શી ન શકો.  હા, ત્યાં જો સાધુઓ ઉપસ્થિત હોય તો પર્યટકે તેમનાથી નીચેના આસને બેસવાનું હોય છે. જમીન પર બેસવાનું કહે તો મંદિર કે વડીલો સામે લાંબા પગ કરીને ન બેસી શકાય... જમતી વખતે વડીલો ઉપસ્થિત હોય તો એ કહે પછી જ પર્યટક જમવાનું શરૂ કરી શકે.

ભોજન લેતી વખતે અકરાંતિયાની જેમ ઝાઝું નહીં લેવાનું અને પડતું પણ નહીં મૂકવાનું... ત્યાંના લોકોને   ભોજનનો બગાડ જરાય પસંદ નથી.