અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં હળવા વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, જ્યારે મધ્ય ગુજરાતમાં ખેડા યેલો એલર્ટ હેઠળ છે. દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 ટકા વરસાદની ઘટ છે. બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામી શકે છે.
છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ
આ દરમિયાન રાજ્યમાં આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નથી નોંધાયો. નાનાપોંઢામાં સૌથી વધુ 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગમાં 0.67 ઇંચ, સુબીરમાં 0.67 ઇંચ, કપરાડામાં 0.55 ઇંચ, ધરમપુરમાં 0.55 ઇંચ, વઘઈમાં 0.47 ઇંચ, વાપીમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં અંદાજે ચાર ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ પડે, તો આ ખાધ પણ ઘટી શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, આગામી 23થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે. ખાસ કરીને 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.