Mon Sep 07 2026

Logo

અમદાવાદના સોનીઓ સાથે રૂ ૪.૪૫ કરોડની ઠગાઈના પ્રકરણમાં કચ્છ ભાજપ નેતાના પુત્ર અને વેવાઈની ધરપકડ

2026-08-22 10:32:00
Author: Mumbai Samachar Team
અમદાવાદના સોનીઓ સાથે રૂ ૪.૪૫ કરોડની ઠગાઈના પ્રકરણમાં કચ્છ ભાજપ નેતાના પુત્ર અને વેવાઈની ધરપકડ

ભુજઃ અમદાવાદના ચાર મોટા જ્વેલર્સ સાથે રૂ ૪.૪૫ કરોડની કિંમતી જ્વેલરીની ઠગાઈ આચરવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કચ્છ-ગુજરાત ભાજપના મહિલા આગેવાનના પુત્ર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે રીઢા ગુનેગાર અનિલ ભીખા વિભાણી, તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ઝડપાયેલો શિવમ ગઢવી મુંદરામાં રહેતા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવી અને ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ એડવોકેટ વિશ્રામ ગઢવીનો પુત્ર છે. ગુનામાં સંડોવાયેલી શિવમની પત્ની રાજવી હાલ ફરાર છે.

એસીપી એમ.એન. ચાવડાના જણાવ્યા મુજબ, આરોપી અનિલ વિભાણી પોતે મોટો રિયલ એસ્ટેટ અને ગોલ્ડ બ્રોકર હોવાના દાવો કરી પરિવાર સાથે જ્વેલરી શોરૂમમાં ખરીદી કરવા જતો હતો. વાકચાતુર્યથી વિશ્વાસ કેળવી ઉધારમાં દાગીના ખરીદ્યા બાદ નાણાં ચૂકવતો નહોતો. આ મોડસ ઓપરેન્ડીથી ફેબ્રુઆરી ૨૦૨૫થી જૂન ૨૦૨૩ દરમિયાન અમદાવાદના ચાર જ્વેલર્સ પાસેથી રૂપિયા ૪.૪૫ કરોડની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી મેળવી ઠગાઈ આચરી હતી.

ઉલ્લેખનીય છે કે, ટ્રક ડ્રાઈવરમાંથી ઠગ બનેલા અનિલ સામે સુરત અને અમદાવાદમાં ફ્રોડના ૧૧ ગુના, ગરબા ઈવેન્ટના નામે રૂ.૪.૭૫ કરોડની ઠગાઈ તથા પત્નીની હત્યાનો પણ ગુનાહિત ઈતિહાસ છે.

બીજી તરફ, શિવમના પિતા વિશ્રામ ગઢવીએ બચાવ કરતા જણાવ્યું હતું કે, પુત્રે થોડા મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતા અને તે તેમની સાથે મુંદરામાં વકીલાત કરે છે. આર્થિક વ્યવહારના વિવાદને ખોટી રીતે ફોજદારી રૂપ આપી પરિવારને ફસાવવામાં આવ્યો હોઈ તેઓ અદાલતનો આશરો લેશે.

(ઉત્સવ વૈદ્ય)