Tue Jan 27 2026

Logo

White Logo

વડોદરામાં ખાખીના નામે ખેલ: તોડપાણી કરતો નકલી PSI ઝડપાયો

6 days ago
Author: Mayurkumar Patel
Video

વડોદરાઃ ગુજરાતમાંથી વધુ એક નકલી પોલીસ પકડાયો હતો. વડોદરામાંથી તોડપાણી કરતો નકલી પીએસઆઈ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.  તાંદલજા વિસ્તારના એક વૈભવી બંગલામાંથી નકલી PSIને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી અને તોડ કરતો હોવાનું બહાર આવ્યું હતું.  આ ઉપરાંત તે વડોદરામાં જમીન લે વેચમાં પોલીસનો દમ મારી લોકો પાસેથી રૂપિયા પણ પડાવતો હતો.

પત્નીએ ખોલ્યો દરવાજોને પકડાયો નકલી પીએસઆઈ
 
વડોદરા એસઓજી ના પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી કે વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ, અલકબીર બંગલા નંબર-3 માં એક શખ્સ નકલી પોલીસ બનીને રહી રહ્યો છે. પોલીસે જ્યારે બંગલા પર રેડ કરી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી મોબીન ઇકબાલભાઇ સોદાગર (ઉંમર 38) નામનો શખ્સ મળી આવ્યો હતો.

શું શું મળ્યું

પોલીસને તપાસ દરમિયાન બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા અને બહાર એક અર્ટીગા ગાડી મળી આવી હતી. આ ગાડીઓની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીઓમાંથી પોલીસના નકલી આઈકાર્ડ અને યુનિફોર્મ, વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ, નકલી આવકના દાખલા અને દસ્તાવેજો, એક એરગન મળી આવ્યા હતા. 

 

તપાસમાં શું થયો ખુલાસો

તપાસમાં ખુલાસો થયો કે, લોકોમાં છાપ પાડી શકાય તે માટે આરોપી મોબીન સોદાગર પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખતો હતો. તે પોતાના નામ અને ફોટાવાળા ડુપ્લીકેટ PSI આઈકાર્ડનો ઉપયોગ કરી લોકોને ધમકાવતો અને મોટા આર્થિક વ્યવહારોમાં  તોડ કરતો હતો.   આરોપીએ અત્યાર સુધી કોની કોની સાથે ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી. 

થોડા દિવસ પહેલા અમદાવાદમાંથી નકલી પોલીસ ઝડપાયો હતો. અમદાવાદનો રિક્ષા ડ્રાઈવ ક્રાઈમ બ્રાંચનો પોલીસ અધિકારી હોવાનું કહીને લૂંટતો હતો. નરોડા પોલીસે તેને બાતમીના આધારે ઝડપી લીધો હતો.